© ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ,(ધવલ પટેલ) 30-03-2020 : હાલ કોરોનાના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ સહીત ગુજરાત રાજ્યના શહેરોમાં રસ્તા ઉપર ફરજ બજાવતી અનેક મહિલા પોલીસ કર્મચારીઓ એકલી રહે છે. તેમના પરીવારો તેમનાથી અનેક કિલોમીટર દૂર રહે છે. રોજબરોજ પરીવારજનો ફોન કરીને તેમને સ્વાસ્થ્ય બાબતેની સલાહ આપે છે, ચિંતા કરે છે અને જલ્દીથી ઘરે આવી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે.
બીજી બાજુ જે લોકો માટે આ મહિલાઓ પોતાના પરીવારથી દૂર રહીને ફરજ બજાવે છે તેવા લોકો ઘરમાં રહેતા નથી. જેને પરીવારને મળવા જવું છે તે જઈ શકતા નથી અને જે પરીવાર સાથે છે તેમને ઘરમાં રહેવું નથી અને કોઈને કોઈ બહાના ધરીને લટાર મારવા નીકળી પડવું છે. ખરેખર એવા લોકોએ બેશરમીથી પોતાનું માથું ઝુકાવી દેવું જોઈએ કે જે લોકોને કારણે આજે દેશ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં વધુ મુકાશે.
અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પરિવાર વિષે જાણવાનો ફેસ ઓફ નેશને પ્રયાસ કર્યો છે. આ અહેવાલ થકી લોકોને રસ્તા ઉપર રહેલા પોલીસ જવાનોના પરીવારની હકીકતોથી વાકેફ કરવા છે. કારણ કે, આ પોલીસ કર્મચારીઓ આખરે તો માણસો જ છે, આજે દેશ સંકટ આવી પડ્યું છે ત્યારે તેમના શરીરે રહેલી ખાખીનું ઋણ ચૂકવવાના તેઓ પ્રયાસ કરી રહ્યા છે અને સતત દેશ સેવામાં લાગેલા છે.
રાત દિવસ તડકો છાંયડો જોયા વિના લોકો માટે રસ્તા ઉપર ઉભા રહ્યા છે તેમ છતાં લોકો કાયદાનું પાલન ન કરે ત્યારે આ નાછૂટકે પોલીસ કાયદાની લાઠી ઉઠાવવા મજબુર બની જાય છે, જો કે, આવા સમયે વિડીયો ઉતારીને સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ કરનારા લોકોનો સામનો પણ કરવો પડે છે. લોકો એટલા બધા હિંમતવાન થઈ જાય છે કે, પહેલા ગુનો કરશે, પછી સજા મળે એટલે વિડીયો બનાવીને પોલીસને બદનામ કરશે. જો કે આ ખુબ જ શરમજનક બાબત છે કે જયારે તમે એવા લોકો સાથે ખરાબ વર્તન કરો છો કે જેઓ સતત તમારા માટે તેમના પરીવારનું કઈ પણ વિચાર્યા વિના રસ્તા ઉપર છે.
જો કોઈ પોલીસ કર્મચારી પૈસા લેતા હોય, કોઈ મફતનું ખાતા હોય આવા વિડીયો બનાવીને તેને ફોરવર્ડ કરવામાં મજા આવતી હોય છે પરંતુ ત્યારે કેમ ગર્વ કે મજા નથી લેવાતી જયારે આ લોકો કોઈ પણ ઉત્સવો મનાવ્યા વિના તમારી સુરક્ષા માટે ખડેપગે રહે છે. ખેર ! લોકોને ભૂલતા વાર નથી લગતી એટલે આજે કઈ પણ કહેવું કે લખવું થોડા સમય પછી નિર્થક સાબિત થશે.
અહીં શહેરના રસ્તાઓ ઉપર ફરજ બજાવતી કેટલી મહિલા પોલીસ કર્મચારીઓના મંતવ્યો રજૂ કરીએ છીએ સાથે જ પુરુષ પોલીસ કર્મચારીઓના પણ પરિવાર વિષે જાણવાનો અને તેમના મંતવ્યો અહીં રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયાના મહિલા પીઆઇ ગામીતની કામગીરી પણ નોંધનીય છે. આ મહિલા અધિકારીને સ્થાનિક લોકો ખુબ જ આદરભાવ અને માનસન્માન આપે છે. વિસ્તારમાં સતત આ મહિલા અધિકારી લોકોની સેવાર્થે ખડેપગે હોય છે.
• “માતા-પિતાની સાથે આ દેશની પણ દીકરી છું, ખાખીનું ઋણ ચુકવવાનું છે”
હું અહી અમદાવાદમાં 3 વર્ષથી રહું છું, મારો પરીવાર ગીર સોમનાથ છે. અહી ભાડે રહું છું, પરીવારના નિયમિત રોજ ફોન આવે છે અને ચિંતા કરે છે પરંતું હું પણ દેશની દિકરી છું અને દેશની સેવા માટે ખાખી ધારણ કરી છે તયારે તેનું ઋણ ચૂકવવું એ મારી ફરજ બને છે. – મહિલા પોલીસ કર્મચારી, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન
• “પપ્પાની લાડકી છું એટ્લે પ્રથમ દિવસે તો તેઓ રડી પડ્યા હતા”
હુ અહી ભાડે રહું છું. અમદાવાદમાં 3 વર્ષથી ભાડે રહું છું. મારી સાથે અન્ય 2 મહિલાઓ પણ રહે છે તે પણ પોલીસ તરીકે ફરજ બજાવે છે. પપ્પાની લાડકી છું એટ્લે પ્રથમ દિવસે તો તેઓ રડી પડ્યા હતાં અને રોજે અનેકવાર ફોન કરીને ‘સેનેટાઇઝ લગાવતી રહેજે, માસ્ક બાંધજે, તબિયત સાચવજે’ જેવી સલાહ આપતાં રહે છે. નાનપણથી જ દેશસેવાનું ઝનૂન હતુ એટલે ખાખી પસંદ કરી અને હવે ખરાં અર્થમાં દેશ મુશ્કેલીમાં છે ત્યારે સેવા કરવી એ મારી જવાબદારી અને ફરજ છે. પરીવાર અને દેશમાંથી મેં દેશસેવા પસંદ કરી છે.લોકોને મેસેજ આપવો છે કે, ઘરે રહો, આ વાઇરસનો જલદી નાશ થાય, ફેલાતો અટકી જાય અને અમે અમારાં પરીવારને મળી શકીએ. – મહિલા પોલીસ કર્મચારી, સોલા પોલીસ સ્ટેશન
• “પોલીસ ખાતાના 30 વર્ષમાં આવો સમય નથી જોયો”
પરીવાર ઘરે જઇએ એટ્લે સેનેટાઇઝર લઇને ઉભા થઈ જાય છે પછી જ ઘરમાં ઘૂસવા દે છે, પરીવારને પણ ડર લાગે છે. પોલીસ ખાતામાં 30 વર્ષ થયાં છે પરંતું આવો સમય ક્યારેય જોયો નથી. – પોલીસ કર્મચારી, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન
• “નોકરી પતાવીને જમવાનું બનાવવાનું, પરીવાર બનાસકાંઠા છે”
હું અહી એકલો રહું છું, મારો પરીવાર બનાસકાંઠા છે. અમદાવાદમાં કાઈ પણ કોરોનાનાં સમાચાર આવે એટ્લે ઘરેથી પરિવારજનોના ફોન ચાલૂ થઈ જાય, પરિવારજનો જમવાથી લઇને સ્વાસ્થ અંગે સતત ચિંતા કરે છે. – પોલીસ કર્મચારી, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન
કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ