Home News એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે...

એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !

ફેસ ઓફ નેશન, 08-04-2020 : લોકડાઉનનો અમલ કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ રસ્તા ઉપર ઉતરી પડી છે. જો કે પોલીસ તંત્રમાં ફરજ બજાવતા નાના કર્મચારીઓની હાલત અત્યંત કફોડી અને દયજનક બની ગઈ છે. અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા બેઠા ધોમધખતા તાપમાં રસ્તે નીકળનારાઓનું ચેકીંગ કરવાના આદેશ કરે છે સાથે જો કોઈ પોલીસ કર્મચારી ચેકીંગ પોઇન્ટ છોડીને છાંયડે બેઠો હોય તો તેને ખખડાવી નાખવામાં આવે છે. અધિકારીઓ ચેકિંગમાં નીકળે એટલે “ફરજીયાત ઉભા રહેલા હોવા જોઈએ” તેવા આદેશથી હવે પોલીસ કર્મચારીઓ બરાબર અકળાઈ ઉઠ્યા છે. હેડ કોન્સ્ટેબલથી માંડીને ઉપરી અધિકારીઓ ગમે ત્યાં છાંયડો શોધીને બેસી જાય છે અને પોલીસ ઇન્સ્પેક્ટરથી માંડીને ઉપરી અધિકારીઓ એસી ચેમ્બરમાં જગ્યા શોધી લે છે. આગ ઓકતી ગરમીમાં નાના પોલીસ કર્મચારીઓનો મરો થઈ જાય છે. આવા કર્મચારીઓ કઈ બોલી પણ નથી શકતા કે તેમની અકળામણ પણ કોઈની આગળ કાઢી નથી શકતા, કારણ કે જો કોઈ બોલવા આગળ આવે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો ઉપરી અધિકારીનો ગુસ્સો સહન કરવો પડે છે. લોકડાઉનને લઈને હાલ ગરમી વધતા લોકો સ્વેચ્છાએ ઘરમાં પુરાઈ ગયા છે. લોકડાઉનના અમલનું અડધું કામ તો ગરમીએ સહેલું કરી નાખ્યું છે. આગ ઓકતી ગરમીમાં વાહનવ્યવહારોથી વ્યસ્ત રહેતા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લોકો હવે સવારે અને સાંજે ઘરની બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. સાંજ પડતા જ અધિકારીઓ તેમના કાફલા સાથે જે તે વિસ્તારોમાં નીકળી પડશે અને કાર્યવાહી કરી હોવાનો દેખાવડો કરીને પરત ફરશે જો કે ખરી કાર્યવાહી અને કામ તો રસ્તા ઉપર ગરમીમાં પણ સતત ઉભા રહીને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે.

Exclusive : ગુજરાતમાં કોરોના મામલે મુખ્ય ભૂમિકા ભજવનાર આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ, જાણો તેમના વિષે

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !