કેદીઓએ જેલમાં આગ લગાવી દીધી છે. ફાયરીંગ વચ્ચે કેટલાક કેદીઓએ જેલમાંથી ભાગવાની કોશિસ કરી છે. આ વિવાદ બાદ ઝગડો કરી રહ્લા કેદીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે
Face Of Nation:લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં ગુરૂવારે પોલીસ અને કેદીઓ વચ્ચે ઘર્ષણે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જાણકારી અનુસાર, આ ઘર્ષણમાં એક કેદીનું મોત થઈ ગયું છે. જેલમાં સતત ફાયરિંગ થઈ રહ્યું છે. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. કેદીઓએ આ દરમ્યાન ડીએસપીની ગાડીને પણ ફૂંકી મારી છે. ફાયરીંગમાં મરનાર કેદીની ઓળખ સંદીપ સૂદ તરીકે થઈ રહી છે.
જેલમાંથી ભાગવાની કોશિસમાં કેદીઓ
ફાયરીંગ વચ્ચે કેટલાક કેદીઓએ જેલમાંથી ભાગવાની કોશિસ કરી છે. જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને ફરાર થવાની કોશિસ કરી રહેલા કેદીઓને પકડી પકડી જેલમાં લાવવામાં આવી રહ્યા છે. કેટલાક કેદીઓએ દિવાલ કુદીને ભાગવાની કોશિસ કરી છે. આ દરમ્યાન નવ જેટલા કેદી ભાગવામાં સફળ રહ્યા હતા, તેમાંથી ચારને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે પાંચની શોધખોળ ચાલુ છે.
ગોળી મારવાનો આદેશ
પોલીસ અને કેદીઓ વચ્ચે થયેલા આ વિવાદ બાદ ઝગડો કરી રહ્લા કેદીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબુ કરવા માટે શહેરના પોલીસ સ્ટેશનોમાંથી પણ પોલીસ કાફલાને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો છે. જેલમાં હજુ સ્થિતિ તણાવપૂર્ણ છે. જેલ મંત્રી સુખજિંદર રંઘાવા પણ પૂરી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
કેદીઓએ જેલમાં આગ પણ લગાવી દીધી છે
જાણકારી અનુસાર, ઉપદ્રવી કેદીઓએ જેલમાં આગ લગાવી દીધી છે, તે આગને કાબુ કરવા માટે ફાયર વિભાગની ગાડીઓ લુધિયાણા જેલ પહોંચી ગઈ છે. જોકે, હજુ એ બહાર નથી આવ્યું કે, આખરે બબાલ કઈ વાત પર થઈ.