Home Gujarat ટેકનોલોજીનો ઉપયોગ : બોડીવોર્ન કેમેરાથી સજ્જ 2500 પોલીસકર્મી રાખશે ચાંપતી નજર, સુરક્ષા...

ટેકનોલોજીનો ઉપયોગ : બોડીવોર્ન કેમેરાથી સજ્જ 2500 પોલીસકર્મી રાખશે ચાંપતી નજર, સુરક્ષા અને સર્વેલન્સમાં દાખલારૂપ બનશે 145મી રથયાત્રા!

Face Of Nation 28-06-2022 : પહેલી જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરનારી 145મી રથયાત્રા આ વર્ષે ખુબમાં જ ખાસ હશે. કારણ કે, આ વર્ષે સુરક્ષાના વિવિધ પાસાઓ પર માઈક્રોપ્લાનિંગ સાથે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાનું એવું અભેદ્ય આયોજન કરવામાં આવશે કે જે દેશના તમામ ધાર્મિક સ્થળો પર યોજાતી યાત્રાઓ માટે દાખલો બની રહે.
2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે
જગતના નાથની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. ઉપરાંત દર વર્ષથી વિશેષ આકાશી અને જમીની એમ બંને સ્તરે ટેક્નોલોજીના માધ્યમથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. જેમાં હેલિકોપ્ટર તેમજ ડ્રોનથી આકાશમાં અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવશે. બીજી તરફ જમીની સ્તર પર હાઈરિઝોલ્યુશન સીસીટીવીથી વોચ રાખવામાં આવશે જેમાં 46 ફિક્સ્ડ લોકેશન અને અન્ય મુવિંગ બંદોબસ્ત તથા વ્હીકલ માઉન્ટેડ હશે. રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત જવાનો પૈકી 2500ને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે. આ પોલીસ જવાનો સંવેદનશીલ વિસ્તારમાં દરેક વ્યક્તિની હરકત પર બાજનજર રાખશે.
101 ટ્રક જોડાશે, 10 ટ્રક પછી 1 પોલીસવાન
અગાઉથી નક્કી રૂટને આધારે રથયાત્રા કુલ 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પસાર થતી હોય છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય 101 સુશોભિત ટ્રક જોડાશે. આ ટ્રકનું ‘એન્ટિ સેબોટેજ ચેક’ ફરજિયાત હોય છે. આ તપાસમાં ટ્રકમાં કોઈ જીવલેણ હથિયાર કે અન્ય નુકસાનકારક સામગ્રી ન હોવાની ખરાઈ કરવામાં આવે છે. દર 10 ટ્રક પછી એક પોલીસવાન ગોઠવવામાં આવશે તેમજ GPSની મદદથી વાહનોનું લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે.
સંદેશાવ્યવહાર માટે સતત 16 ચેનલ ચાલુ રહેશે
રથયાત્રા દરમિયાન સંદેશા વ્યવહાર સતત ચાલુ રહે તે માટે પણ પુરતું આયોજન કરાયું છે. VHF વાયરલેસ વોકીટોકીના કુલ 16 ચેનલ પર સતત સંદેશાવ્યવહાર ચાલુ રહેશે. કારંજ, માધવપુરા, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, ગાયકવાડ હવેલી, કાલુપુર, દરિયાપુર એમ કુલ 8 પોલીસમથકોમાં મીની કંટ્રોલરૂમ રખાશે.
સોશિયલ મીડિયા પર પણ રખાશે નજર
આજના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ઉપદ્રવી તત્વ સોશિયલ મીડિયા થકી સૌહાર્દનો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરે તે માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર અને વ્હોટ્સએપ સહિતના માધ્યમો પર ચાંપતી નજર રાખવા માટે શહેર પોલીસ સ્થાનિકોની પણ મદદ લેશે. જો સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધી જણાઈ આવે તો તાત્કાલિક તેનું IP એડ્રેસ મેળવીને તેની ઉલટતપાસ કરવામાં આવશે. સાયબર ક્રાઈમની વિવિધ ટીમો ખાસ સોફ્ટવેરની મદદથી સોશિયલ મીડિયા સર્વેલન્સ રાખશે. સુરક્ષા માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ પોલીસ વિભાગનું આયોજન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).