Home Uncategorized ચૂંટણીમાં મત માટે ચવાણું વેચનારા નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ખરા સમયે લોકડાઉન

ચૂંટણીમાં મત માટે ચવાણું વેચનારા નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો ખરા સમયે લોકડાઉન

Face Of Nation : સમગ્ર દેશને લોકડાઉન કરી નાખવામાં આવ્યો છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો કે કોર્પોરેટરો કોઈ સમાજની સેવા માટે આગળ આવી રહ્યા નથી. હાલ, રાજ્યમાં ગરીબ લોકો ભૂખે ટળવળતા હોવા છતાં પોતાને પ્રજાના પ્રતિનિધિ તરીકે ઓળખાવતા નેતાઓ ખરા સમયે લોકડાઉન થઇ ગયા છે ગુજરાતમાંથી અનેક છૂટક કામગીરી કરીને પેટિયું રળતા લોકો પોતાના વતન તરફ ચાલતા જવાનો વારો આવ્યો છે તેમ છતાં કોઈ નેતાઓ, ધારાસભ્યો કે કોર્પોરેટરો તેમના માટે જમવાની કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા માટે આગળ ન આવતા આખરે જાગૃત જનતાએ અને પોલીસ કર્મચારીઓએ ભોજન અને શક્ય એટલી ટ્રાન્સપોર્ટની સેવા પુરી પાડવાના પ્રયાસ શરૂ કર્યા છે. ચૂંટણી ટાણે મતોની ભીખ માંગવા મતદારોને ચવાણું અને પુરી શાક આપનારા નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો આજે ખરા સમયે લોકડાઉન થઇ ગયા છે જેને લઈને નાગરિકોમાં પણ અનેક મેસેજો વાયરલ થયા છે.
ગુજરાતના કેટલાક નેતાઓ, ધારાસભ્યો કે કોર્પોરેટરો પોતાની સામાજીક જવાબદારી નિભાવવા આગળ આવ્યા છે પણ આવા લોકોની સંખ્યા ના બરોબર છે. હાલ ગરીબોને સૅનેટાઇઝર, રૂમાલ, સાબુ, માસ્ક સહિતની કીટોનું વિતરણ કરવાની જરૂરિયાત છે. ચૂંટણી ટાણે ચવાણું કે પુરી શાકની જરૂરિયાત નથી હોતી તેમ છતાં ખોટા ખર્ચ કરીને લોકોને ચવાણા, નાસ્તા અને પુરી શાકની પાર્ટીઓ કરાવે છે પરંતુ આજે જયારે ખરા અર્થમાં પ્રજાને જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે કોઈ નેતા, ધારાસભ્ય કે કોર્પોરેટર દેખાતો નથી તે પોતે લોકડાઉન થઇ ગયા છે. ખરેખર તો ચૂંટણી સમયે આ નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ લોકડાઉનનું પાલન કરવું જોઈએ, જેથી ખરા અર્થમાં ખબર પડે કે પ્રજા કોને મત આપે છે. બાકી માંગીને ખાનારાને તો સૌ દાન આપે જ છે, પરંતુ માંગ્યા વિના કોઈ પણ જરૂરીયાતમંદ દાન આપવામાં આવે તો તે સાર્થક ગણાય છે.