Face Of Nation:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35એને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કલમ 370 અને કલમ 35એ ના હટાવવી જોઈએ. તેના કારણે જ અમારો પાયો મજબૂત છે. અમે હિન્દુસ્તાની છીએ, પરંતુ આ કલમો પણ અમારા માટે અત્યંત મહત્ત્વની છે. આ દરમિયાન કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફારુક અબ્દુલ્લાને સર્વપક્ષીય બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે. કાશ્મીરમાં વધુ દસ હજાર જવાનો તૈનાત કરવાના કેન્દ્રના નિર્ણય પછી આ વિવાદ શરૂ થયો છે. દિલ્હીમાં મંગળવારે થનારી ભાજપની કોર ગ્રૂપની બેઠકમાં પણ આ મુદ્દાની ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ બેઠકનો હેતુ જ કાશ્મીર સહિતના મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવાનો છે.
બંધારણમાં 1954માં કલમ 35એ સામેલ કરાઈ હતી. આ કલમ નહેરુ કેબિનેટના સૂચન પછી તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના એક આદેશથી બંધારણમાં જોડાઈ હતી. તેમાં કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો અપાયો છે. આ કલમના કારણે જ કાશ્મીરમાં નાગરિકતાનો વિષય રાજ્યને આધીન થઈ ગયો હતો.કલમ 35એમાં કાશ્મીરના સ્થાનિકોને વિશેષ અધિકારો અપાયા છે, જે નોકરીઓ, સંપત્તિના ખરીદ-વેચાણ, સ્કોલરશિપ, સરકારી મદદ અને કલ્યાણકારી યોજનાઓ જેવા મુદ્દા સાથે સંકળાયેલા છે. અન્ય રાજ્યના નાગરિકોને આ હકો નથી.