Face Of Nation : ભારતમાં જયારે કોઈ મોટી ઘટના બને છે ત્યારે નિયમોના નામે પ્રજા ઉપર કડકાઈ દાખવી દેવામાં આવે છે. જો કે જેની જવાબદારી હોય છે તે તંત્ર સુધરતું નથી કે તેમની કામગીરીમાં રહી ગયેલી ઉણપને દૂર કરવામાં ધ્યાન આપે. અકસ્માત, કાર રેપ કે પછી અન્ય ઘટનાઓ બનતા જ કાયદાના નામે પ્રજા ઉપર કોરડા ઝીકવામાં આવે છે. દેશમાં સતત વધતી જઈ રહેલા માર્ગ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ‘મોટર વ્હિકલ સંશોધન બિલ-2019’ સંસદમાં પસાર કરાયું છે. સંશોધિલ બિલની અનેક જોગવાઈઓ દેશભરમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. નવા કાયદામાં પરિવહન સંબંધિત નિયમોના ઉલ્લંઘનમાં મોટા દંડની જોગવાઈ કરાઈ છે. ગુજરાતમાં પણ આ દંડની જોગવાઈ હતી પરંતુ મુખ્યમંત્રીએ તેમાં સુધારા વધારા કરીને રાહત આપી હોય તેવું બતાવવામાં આવ્યું છે. જો કે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પ્રજા ભારે ત્રાહિમામ પોકારી ઉઠી છે અને સરકારની કામગીરી અંગે નિઃશાસા નાખી રહી છે. જો કે આ પ્રજા નાહકના નિઃશાસા નાખે છે તેમ કહેવામાં કોઈ બે મત નથી કારણ કે, જો પ્રજાએ પોતે જ સરકારની વાજતે ગાજતે પસંદગી કરીને સત્તા આરૂઢ કરાવી હોય પછી તે સરકાર જયારે કડકાઈ દાખવે કે નિયમો ઘડે તો નિઃશાસા શેના નાખવાના ?
ભારતની ઘણી પ્રજા એવી છે કે જે આજે પણ મીડિયા રિપોર્ટ્સને આધારે પોતાના નિર્ણયો નક્કી કરે છે. આ રિપોર્ટ્સ સાચા હોય જ તે જરૂરી નથી હોતું કેમ કે મીડિયા હવે પોતાની તટસ્થતા ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આટલા આકરા દંડની જોગવાઈ અને તેવામાં રાજ્ય સરકાર સુધારા વધારા કરે અને મીડિયા એમ કહે કે “દંડમાં રાહત” એ એક હાસ્યાસ્પદ બાબત છે. હા ! રાહત ત્યારે કહી શકાય કે જયારે દંડમાં ઘટાડો તેવા સંજોગોમાં કર્યો હોય કે જયારે રોડ રસ્તા સહિતની તમામ સુવિધાઓ યોગ્ય રીતે મળતી હોય. જે દંડ 100 રૂપિયા હતો તેમાં વધારો કરીને 1000 કરી દેવામાં આવ્યો અને બાદમાં રાહતના નામે તેને 500 કરી દેવામાં આવ્યો। હકીકતે તો 100નો દંડ બમણો કરીને 500 તો કરી જ નાખ્યો છે, કાઈ 100નો જે 1000 કર્યો હતો તેને ફરી પાછો 100 કે 150 નથી કરવામાં આવ્યો તો પછી રાહત કેવી ?
હેલમેટ વગર ગાડી ચલાવવા પર રૂ.1000નો દંડ. અત્યારે આ દંડ રૂ.100 છે, જેને વધારીને રૂ.1000 કરાયો છે. સાથે જ ત્રણ મહિના માટે લાયસન્સ પણ જપ્ત થશે. જોખમી રીતે ગાડી ચલાવવા પર એટલે કે રેશ ડ્રાઈવિંગ માટે અત્યારે રૂ.1000નો દંડ છે, જેને વધારીને રૂ.5000 કરાયો છે. ડ્રાઈવિંગ લાયન્સ વગર વાહન ચલાવવા પર અત્યારે રૂ.500ના દંડની જોગવાઈ છે, જેને 10 ગણી વધારીને રૂ.5000 કરાઈ છે.ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયું હોય છતાં પણ વાહન ચલાવવા માટે રૂ.10,000નો દંડ ભરવાનો રહેશે. અત્યારે આ રૂ.500 છે. સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવવા માટે અત્યારે રૂ.100નો દંડ છે, જેને વધારીને રૂ.1000 કરાયો છે. ઓવર સ્પીડ પરનો દંડ રૂ.400થી વધારીને રૂ.1000-2000 કરાયો છે. ફોન પર વાત કરતા કરતા ડ્રાઈવિંગ કરવા માટે અત્યારે રૂ.1000નો દંડ છે, જેને વધારીને રૂ.5000 કરાયો છે. તો આ રકમોમાં ગુજરાત સરકારે ફેરફાર કરીને દંડની રકમને અડઘી કરી નાખી છે. હાલ ઠેર ઠેર સોશિયલ સાઇટ્સ સહીત લોકોના મોબાઈલમાં ટ્રાફિક નિયમોને લઈને રમૂજ કરતા પોસ્ટર્સ વાયરલ થઇ રહ્યા છે. એક તરફ સરકાર રોડ રસ્તાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ રહી છે અને બીજી બાજુ આવા તોતિંગ દંડ ઉઘરાવવાનું નક્કી કરે તે વાજબી વાત છે કે કેમ તે તો પ્રજાએ નક્કી કરવાનું છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના રોડ રસ્તા ડિસ્કો થેક જેવા બની ગયા છે. કમરનો દુખાવો હોય તે રસ્તા ઉપર નીકળી જ ન શકે તેવી હાલત થઇ ગઈ છે જે જોતા સરકારે પણ દંડની રકમની જેમ રોડ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાકરો માટે દંડની રકમો વધારી દેવી અને કડકાઈથી કામ લેવું જરૂરી બન્યું છે.