Home Uncategorized ખેર ! પસંદગી તમારી છે તો ટાર્ગેટ પણ તમને જ મળશે :...

ખેર ! પસંદગી તમારી છે તો ટાર્ગેટ પણ તમને જ મળશે : જેને માથે ચઢાવ્યા તેણે જ પ્રજા પાસેથી 5100 કરોડ ખંખેરવા ટાર્ગેટ આપ્યો !

Face Of Nation : ગુજરાત સરકારના માથે 2.40 લાખ કરોડનું જંગી દેવું છે. ત્યારે આ દેવું કેમ સરભર કરવું તે ચિંતા સતત સરકારને સતાવી રહી હતી અને અંતે રસ્તો મળી ગયો હોય તેમ ગુજરાતના રસ્તાઓ ઉપર વાહન હંકારતી પ્રજા પાસેથી 5100 કરોડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ એક પત્ર વાયરલ થયો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરના આ પત્રના આદેશ પ્રમાણે એપ્રિલ 2019માં નાણાકીય વર્ષ 2019-20 માટે ગુજરાતમાંથી 5100 કરોડ દંડ પેટે ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એકલા મહેસાણા જિલ્લાને 138.18 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ પત્ર બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાત ભાજપ સરકારની પોલ ઉઘાડી પડી ગઈ છે. જો કે લોકોમાં એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે, ખેર ! પસંદગી આપણી જ છે અને માથે પણ આપણે ચઢાવી છે આ સરકારને તો પછી ટાર્ગેટ પણ આપણે જ પુરા કરવા પડશે ને. પ્રજા જયારે સરકાર માટે અંધ બને છે કે વધુ પડતો પ્રેમ બતાવે છે ત્યારે ત્યારે હંમેશા સત્તાને અભિમાન ચઢી જાય છે અને આ અભિમાનમાં તે ન લેવાના નિર્ણયો લઈ લે છે જે કડવું સત્ય છે. સત્તા કોઈની પણ હોય પ્રજામાં ક્યારેય તેના માટે અતિરેક ન હોવો જોઈએ. દેશ પ્રેમ ચોક્કસ હોઈ શકે પરંતુ નેતા પ્રેમ ક્યારેય ન હોવો જોઈએ.
જે રીતે પ્રજા સત્તા પાછળ ગાંડી ઘેલી બની છે તે જોતા એમ લાગે છે કે ભારત દેશમાં હવે વિરોધ પક્ષ જેવું રહ્યું જ નથી કે જે સત્તાને ખોટા કામો કરતા રોકી શકે કે વિરોધ કરી શકે. જરૂરી નથી કે સત્તા જે કરે તે સાચું જ કરે છે કે જે કરે એ પ્રજાના હિતમાં જ હોય છે. સત્તાને જયારે અભિમાન ચઢી જાય છે ત્યારે હંમેશા તે ન લેવાના નિર્ણયો લઈ લે છે પરિણામે પ્રજા માટે જ સત્તા આફતરૂપ સાબિત થાય છે. ખેર ! એ બધી વાતો વાતો જ રહેશે. હાલ, ગુજરાત સરકારના એક ટાર્ગેટને લઈને ઠેર ઠેર અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પ્રજાના ખિસ્સામાંથી દંડના નામે 5100 કરોડ ખંખેરી લેવાનો ટાર્ગેટ એપ્રિલ 2019માં જ આપી દેવામાં આવ્યો હતો. તે સમયે જુના દંડ અમલી હતા જો કે હાલ દંડની રકમોમાં ફેરફાર થતા 400 ટકાથી વધુ રકમ વધી ગઈ છે. એટલે ટાર્ગેટની રકમ આપોઆપ વધી જવા પામી છે. સરકારના આવા ટાર્ગેટથી ગુજરાતના માથે જે દેવું છે તેનો મોટો બોજ આ દંડની રકમમાંથી જ ઉતારી દેવાનો કારસો ઘડાઈ ગયો છે. હાલ તો પ્રજા માટે આ એક નવી આફત ઉભી થઈ છે પરંતુ 15 ઓક્ટોમ્બર સુધી હેલ્મેટ કે પીયુસી બદલ દંડ નહીં વસુલવામાં આવે તેવી જાહેરાત કરીને પ્રજાને હાલ પૂરતી રાહત આપવામાં આવી છે. જો કે 15 પછી ટાર્ગેટ પૂરો કરવા પોલીસને અને આરટીઓ વિભાગને મહેનત કરવી પડશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.