Face Of Nation 24-05-2022 : પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારે આરોગ્યમંત્રી ડૉ. વિજય સિંગલાને કેબિનેટમાંથી બરતરફ કરી દીધા છે. વિજય સિંગલાને કેબિનેટ મંત્રીપદ પરથી દૂર કરવામાં આવ્યા છે. વિજય સિંગલા આરોગ્ય વિભાગમાં થતી કામગીરી માટે 1% કમિશનની માગી રહ્યા હતા. આ બાબતની ફરિયાદ સીએમ ભગવંત માન સુધી પહોંચી હતી. તેમણે આ મામલે ગુપ્ત રીતે તપાસ કરાવી. અધિકારીઓની પૂછપરછ બાદ મંત્રીને બોલાવ્યા હતા. જોકે મંત્રીએ ભૂલ સ્વીકારી લીધી, ત્યાર બાદ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. સિંગલાને કેબિનેટમાંથી બરતરફ કર્યાના થોડા સમય બાદ જ એન્ટીકરપ્શન બ્યૂરો પણ એક્શનમાં આવી ગયો હતો. મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર ACBએ કેસ નોંધીને સિંગલાની ધરપકડ કરી હતી.
સીએમ માને મંત્રી સામે કડક કાર્યવાહી કરી
આ અંગે સીએમ ભગવંત માને કહ્યું હતું કે, મારા ધ્યાન પર એક કેસ આવ્યો છે. આમાં મારી સરકારના એક મંત્રી દરેક ટેન્ડર કે તે વિભાગમાં ખરીદ-વેચાણમાં એક ટકા કમિશન માગી રહ્યા હતા. આ કેસ વિશે માત્ર હું જ જાણું છું. એ અંગે વિરોધ પક્ષો અને મીડિયાને ખબર નથી. જો હું ઈચ્છતો હોત તો કેસ દબાવી શક્યો હોત. એનાથી લોકોનો વિશ્વાસ તૂટી જશે. માટે હું તે મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પોલીસને તેમની સામે કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. મંત્રીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.
અગાઉના સીએમએ કોઈ કાર્યવાહી કરી ન હતી
સીએમ માને કહ્યું હતું કે વિરોધ પક્ષો કહેશે કે બે મહિનામાં મારી સરકારના એક મંત્રી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જોવા મળ્યા. હું કહેવા માગું છું કે મેં પણ આ બાબતે કાર્યવાહી કરી છે. જૂના સીએમને પણ ખબર હતી કે ગેરકાયદે રેતી ખનનમાં કોણ સામેલ હતું? તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મંત્રીને બરતરફ કરવાની સાથે હું તેમની સામે કેસ પણ નોંધાવી રહ્યો છું.
કલંકિત લોકોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડશે
આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્ય પ્રવક્તા માલવિંદર સિંહ કંગે જણાવ્યું હતું કે એક ટેન્ડરમાં વિજય સિંગલાએ 1% કમિશનની માગ કરી હતી. તેની ફરિયાદ સીએમ માન સુધી પહોંચી હતી. પાર્ટીમાંથી હાંકી કાઢવાના મુદ્દે કંગે કહ્યું હતું કે કલંકિત લોકોનું આમ આદમી પાર્ટીમાં કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે કલંકિત લોકોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે.
ભગવંત માનના નિર્ણયથી અમને ગર્વ છે: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ દેશ સાથે ગદ્દારી છે. ભારતમાતા સાથે ગદ્દારી છે. કંઈ પણ સહન કરી લઈશું પણ ભારતમાતા સાથે ગદ્દારી સહન નહીં કરીએ. ગળ કપાઈ જશે, પરંતુ દેશ સાથે ગદ્દારી ક્યારેય નહીં કરીએ. ન ગદ્દારી કરીશું ન કોઈને કરવા દઈશું. આવું કરાવમાં ઘણી હિંમત જોઈએ. આ હિંમત અમને ભગવાન પાસેથી મળી છે. માન સાહેબ ઈચ્છત તો આ પ્રકરણ દબાવી શકત. પરંતુ એમણે આવું ન કર્યું અને તેમણે મંત્રી સામે એક્શન લીધા. અમને તમારા ઉપર ગર્વ છે. ભ્રષ્ટાચાર કરનાર પોતાના પણ કેમ ન હોય તો પણ છોડાશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).