ફેસ ઓફ નેશન, 22-04-2020 : કોરોનાના કેર વચ્ચે તંત્રની ઘણી બેદરકારી પણ પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને એક ગંભીર બેદરકારી સામે આવી છે. સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં એક એવો યુવક ક્વોરેન્ટાઇન થઇ ગયો છે કે, જેના નામ સરનામાં કે નંબરો કોઈ પણ માહિતી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી સાથે મળતી નહોતી.
સમગ્ર બાબત અંગે વાત કરતા મીત પટેલ નામના વ્યક્તિએ ફેસ ઓફ નેશનને જણાવ્યું હતું કે, હું ડ્રોન ઉડાડવાનું કામ કરતો હતો. જો કે કોરોના થવાના ડરે મેં રિપોર્ટ કઢાવ્યો હતો. બાદમાં મારા ભાઈ ઉપર કોર્પોરેશનમાંથી ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમારા ભાઈને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી 108 દ્વારા તેમને લઈ જવામાં આવશે. બે કલાક થયા છતાં કોઈ ન આવતા મેં સામેથી ફોન કરીને પોતાને લઈ જવા કીધું હતું. બાદમાં 108 મારફતે મને સમરસ હોસ્ટેલ ખાતે લઈ જવામાં આવ્યો. જ્યાં મને દવાની પડીકી આપી તે કેવી રીતે લેવી તે અંગે પાછળ લખેલા મુજબ અંનુસરવા કહ્યું અને એક રૂમમાં મને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો. બાદમાં મને માલુમ પડ્યું કે, મારા નામ સામે જે સરનામું, ઉંમર અને સંપર્ક નંબર લખવામાં આવ્યા હતા તે મારા હતા જ નહીં. જે સંપર્ક નંબર, સરનામું અને ઉંમર દર્શાવવામાં આવ્યા હતા તે વ્યક્તિને પણ સમરસ હોસ્ટેલમાં જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આમ થતા, પોતાનો રિપોર્ટ નેગેટિવ હશે અને પોતાને ખોટી રીતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હશે તેવી શંકા યુવકે વ્યક્ત કરી છે. આ મામલે યુવકે હાજર અધિકારીઓ અને ડોક્ટરને પણ વાત કરી હોવા છતાં કોઈ કાંઈ સાંભળવા તૈયાર નથી તેવો આક્ષેપ પણ યુવકે કર્યો છે. હાલ મીત સમરસ કોવીડ સેન્ટરમાં ક્વોરેન્ટાઇન થયો છે. તેના પરિવારને પણ હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !