Face Of Nation 15-06-2022 : નેશનલ હેરાલ્ડ કેસમાં ત્રીજા દિવસે રાહુલ ગાંધી પૂછપરછ માટે EDની ઓફિસ પહોંચ્યા હતા. બપોરે 12 વાગ્યાથી તેમની પૂછપરછ શરૂ થઈ હતી,જે મોડી રાત સુધી ચાલી હતી. એકંદરે અત્યાર સુધીમાં રાહુલ ગાંધીની 30 કલાકથી વધારે પૂછપરછ થઈ ચુકી છે. એક બાજુ જ્યાં EDના અધિકારીઓને તેમના જવાબથી અસંતોષ દેખાતો હતો ત્યારે રાહુલ ગાંધીએ કહેવું પડ્યું હતું કે લાગે છે અહીં દરરોજ આવવું પડશે કારણ કે પૂછપરછ લાંબી ચાલશે. દરમિયાન આ સમયગાળામાં રાહુલ ગાંધીની ધરપકડની અફવાએ જોર પકડ્યું હતું. તેને લીધે કોંગ્રેસી કાર્યકર્તાઓ બેકાબૂ થઈ ગયા અને પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.નેશનલ હેરાલ્ડ કેસમાં આજે અધિકારીઓએ હેરાલ્ડના માલિકી હકવાળી યંગ ઈન્ડિયા કંપની માંથી એક પણ રૂપિયો મેળવ્યો નથી અને તે એક નોન પ્રોફિટ કંપની છે તેમ જણાવ્યું હતું.
દિલ્હી પોલીસે સચિન પાયલટની અટકાયત કરી
આ અગાઉ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ લંચ બાદ ફરી વખત 4 વાગે ED ઓફિસ પહોંચ્યા હતા. છેલ્લા 3 દિવસમાં 30 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ થઈ ચુકી છે. પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ ધરણાં પ્રદર્શન કર્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા સચિન પાયલટની અટકાયત કરી હતી. રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં પાર્ટી નેતા અને કાર્યકરો ફરી આજે રસ્તા પર ઊતર્યા છે. પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન ઘણી મહિલા કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ છે. પોલીસે તેમની અટકાયત કરી છે.
પોલીસ પર FIR નોંધાવવી જોઈએ : રણદીપ
સમગ્ર ઘટના વિશે દિલ્હી પોલીસે કહ્યું કે, કોંગ્રેસે પ્રદર્શનની મંજૂરી લીધી નથી. કોંગ્રેસને આ વિશે જાણ કરાઈ હતી કે, કલમ 144 લગાવવામાં આવી છે, ત્યારપછી પણ કાર્યકરોએ હોબાળો કર્યો હતો. તેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પોલીસ પર FIR નોંધાવવી જોઈએ. પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાંજે 4 વાગે દેશવ્યાપી પ્રદર્શન કરશે.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ કાર્યવાહીની નિંદા કરી
પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, પ્રશાસનના ઈશારે પોલીસે કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને નેતાઓને માર્યા, જે ખૂબ ખોટી વાત છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધલે કહ્યું કે, કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા હતા છતા તેમને રોકવામાં આવ્યા, આ લોકતંત્રની હત્યા છે.
આ કાર્યવાહી પ્રધાનમંત્રી-અમિત શાહના કહેવાથી થઈ
ભૂપેશ બઘેલે સરકાર સામે પ્રહાર કરતા કહ્યુ કે- હું મારા ઘરે આ લોકોને પૂછીને જઈશ? મારે મારા કાર્યાલયમાં પોલીસને પૂછીને જવાનું? હું નક્સલ પ્રદેશથી આવું છું, મને Z+ સુરક્ષા મળેલી છે. મને કહેવામાં આવે છે કે, હું માત્ર એક સુરક્ષાકર્મી લઈને જઉં. મને રસ્તા પર એક કલાક કરતા વધુ સમય રોકવામાં આવ્યા, અંતે આ લોકો શું ઈચ્છે છે? બીજી બાજુ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદર્શ કરતા કાર્યકરોને રોકવા માટે પોલીસનું આવવું ગેરકાયદેસર છે. આ કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના કહેવાથી થઈ છે.
આ નેતાઓની અટકાયત કરવામાં આવી છે
રણદીપ સિંહ સુરજેવાલા, હરીશ રાવત, કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રંજિત રંજન, ઈમરાન પ્રતાપગઢી સહિત ઘણા કાર્યકરોની પોલીસે અકબર રોડ પરથી અટકાયત કરી છે. તેમને બદરાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સોમવારે પણ દિલ્હી પોલીસે લગભગ એક હજાર કોંગ્રેસી કાર્યકરની અટકાયત કરી હતી, જેમને મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા.
કાર્યકર્તાઓ સાથે થતા વ્યવહાર અંગે નારાજ
રાહુલ ગાંધીને બીજા દિવસે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવતાં કોંગ્રેસના મોટા નેતા તથા કાર્યકર્તાઓ માર્ગો પર ઊતર્યા હતા. તેમણે સરકાર તથા EDની સામે વ્યાપક પ્રમાણમાં વિરોધ કર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ઈજા પહોંચી હતી. સોમવારે પી. ચિદમ્બરને પણ ઈજા પહોંચી હતી. આ અંગે રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના ઉપરાંત કોંગ્રેસના દરેક કાર્યકર્તા EDનો સામનો કરવા માટે તૈયાર છે.
ભૂપેશ બઘેલની દિલ્હી પોલીસ સાથે ઝપાઝપી
કોંગ્રેસ કાર્યાલય પાસે લગાવવામાં આવેલા બેરિકેડ્સ પાસે રોકતાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની દિલ્હી પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. તેમણે પોલીસને કહ્યું હતું કે તમે મુખ્યમંત્રીને ના રોકી શકો. જોકે તેમ છતાં પણ પોલીસે તેમને જવા નહોતા દીધા. આ પહેલાં રાહુલ ગાંધી તેમના ઘરેથી પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસેના તમામ નેતાઓએ ઓપન એરિયામાં વાતચીત કરી હતી. અહીં જ રણનીતિ તૈયાર થયા પછી રાહુલ ગાંધી ઈડી ઓફિસ જવા નીકળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).