લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. 11 એપ્રિલે થનારી પ્રથમ તબક્કાના મતદાનમાં 20 રાજ્યોની કુલ 91 બેઠકો પર મતદાન યોજાશે. જેના ભાગ રૂપે દરેક નેતા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં તેઓ નવી નવી યોજનાઓ બહાર પાડી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી માસ્ટર સ્ટ્રોક લગાવતાં કહ્યું કે જો તેમની સરકાર બનશે તો ગરીબોના ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા કરવામાં આવશે.
રાહુલની મોટી જાહેરાતઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દેશની જનતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રાહુલે જાહેરાત કરી છે કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો દેશના 20 ટકા ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પૈસા માથાદીઠ આવક પ્રમાણે જમા કરાવવામાં આવશે. આ સ્કીમનું નામ ‘ન્યાય સ્કીમ’ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષે વાયદો કર્યો છે કે દેશના 25 કરોડ લોકોને આ યોજનાથી ફાયદો થશે. રાહુલે કહ્યું કે, જો તમારી આવક 12000થી ઓછી છે, તો અમે તમારી આવકને 12000 રૂપિયા સુધી પહોંચાડીશું. એટલે કે જો તમારી આવક 8000 રૂપિયા છે તો સરકાર તરફથી તેવા લોકોને 4000 રૂપિયા આપવામાં આવશે.