Home Gujarat જીવન તરબતર : સુરતમાં 28 કલાકમાં ઉધનામાં 8, વરાછામાં 6 ઈંચ વરસાદ...

જીવન તરબતર : સુરતમાં 28 કલાકમાં ઉધનામાં 8, વરાછામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, કોઝવે-ખાડીઓ ઓવરફ્લો થવાના આરે, પાલિકા અને તંત્ર એલર્ટ!

Face Of Nation 2-07-2022 : સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત રહ્યું છે. ગત રોજ સવારે 6થી આજના 10 વાગ્યા સુધીમાં ઉધનામાં 8 અને વરાછામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયનજક સપાટી વટાવી શકે છે. જેના પગલે પાલિકા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
સવારના સમયે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા
સુરતમાં સવારના સમયે પણ વરસાદ યથાવત રહ્યો હતો. તેના કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજીતરફ ભારે વરસાદના કારણે ઉધના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બીજી તરફ કાદરશાની નાળ, અમરોલી, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
મીઠીખાડી-સીમાડાખાડી ભયજનક સપાટી નજીક
ગુરુવારે મોડીરાતથી શરૂ થયેલો ભારે વરસાદ આજે શનિવારે પણ અવિરત ચાલુ રહેતા શહેરમાં અનેક રોડ પર પાણી ભરાઇ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જિલ્લામાં પણ ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી પાંચેય ખાડીઓના લેવલ વધી ગયા હતા. મીઠીખાડી અને સીમાડાખાડી ભયજનક સપાટી નજીક પહોંચી જતાં પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે.
કોઝવે ભયજનકથી 0.28 મીટર દૂર
કોઝવેની સપાટી 4.45 મીટરથી 5.72 મીટર પહોંચી ગઇ હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. ભયજનક સપાટી વટાવી ગયા બાદ કોઝવેનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવે છે.
પાંચમીથી છઠ્ઠી જુલાઈએ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5થી 6 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 4 જુલાઈ સુધી હ‌ળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 22થી 23 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.
5 સ્થળે શોર્ટસર્કિટના બનાવ
શહેરમાં 5 સ્થળે શોર્ટસર્કિટ થઈ હતી. ભાગા તળાવ જનતા માર્કેટમાં, બેગમપુરા ખરાડી શેરી, વેડરોડ ધ્રુવતારક સોસાયટી, મોટા વરાછામાં દુર્ઘટના સર્જાઈ હતી. ઉધના તેરાપંથ ભવન ભગવતી સોસાયટીમાં મોટરમાં સામાન્ય આગ લાગી હતી.
પવન સાથે વરસાદ થતાં 20 ઝાડ પડ્યાં
શહેરમાં 20થી વધુ ઝાડ પડવાના કોલ મળતા ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. નાવડી ઓવારો, જમરૂખ ગલી, સગરામપુરા સિમગા સ્કૂલ પાસે, ભટાર કાપડિયા હેલ્થ ક્લ્બ પાસે, પનાસ ગામ વગેરે વિસ્તારોમાં ઝાડ પડ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).