Home News રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી-કડાકા સાથે ધમધોકાર કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક

રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી-કડાકા સાથે ધમધોકાર કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક

Face Of Nation : ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો થતા લોકો ચિંતામાં મુકાયા છે. હાલ, અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. મોટેભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. વીજળી અને ગાજવીજ સાથે વરસતા વરસાદે હાલ ચોમાસા જેવો માહોલ ઉભો કરી દીધો છે. ધમધોકાર વરસતા વરસાદે સૌની ઊંઘ ઉડાડી દીધી છે. ઉનાળાની શરૂઆતે ચોમાસુ શરૂ થઈ જતા અને કોરોનાના કહેર વચ્ચે ઘરમાં પુરાઈ રહેલા લોકોની ગભરાટમાં કમોસમી વરસાદે વધારો કર્યો છે. રાજ્યના તમામ શહેરોને સૅનેટાઇઝ કરવાની કામગીરી ચાલી રહી છે તેવામાં વરસાદથી ધોવાઈ જાય તેવી સ્થિતિ છે તો બીજી બાજુ ખેડૂતો માવઠાને લઈને પાકને નુકસાન થાય તેને લઈને ચિંતાતુર બન્યા છે ત્યારે કોરોનાના કેર વચ્ચે વાતાવરણમાં આવેલા પલટાથી સૌ લોકો ચિંતાતુર બન્યા છે.સરખેજ, વેજલપુર, ઘાટલોડિયા, બોપલ, સનાથળ, શાંતિપુરા, મોટેરા, ચાંદખેડા, ન્યુ રાણીપમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે. નડિયાદમાં પણ રાત્રે માવઠું થયું છે. વરસાદને કારણે બોપલમાં વીજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી છે.હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે.