Home News સાબરકાંઠામાં શ્રીકાર વરસાદ: વડાલીમાં ચાર કલાકમાં 7 ઈંચ,ખેડબ્રહ્મામાં 6 ઇંચ ખાબક્યો

સાબરકાંઠામાં શ્રીકાર વરસાદ: વડાલીમાં ચાર કલાકમાં 7 ઈંચ,ખેડબ્રહ્મામાં 6 ઇંચ ખાબક્યો

Face Of Nation:સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસ્યા બાદ બુધવારે રાત્રે વડાલી, ઈડર અને હિંમતનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વડાલીમાં ચાર કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં બે કલાકમાં 6 ઇંચ અને હિંમતનગર-ઈડરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદને પગલે ત્રણેય તાલુકામાં ખેતરો પાણીથી ફરી વળતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. મોડાસા, ભિલોડામાં 3 ઈંચ, પોશીનમાં 1.50 ઇંચ અને બાયડમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બુધ અને ગુરુવારે રાતે ખાબકેલા વરસાદને પગલે નદી, વાંઘામાં નવા નીર જોવા મળ્યાં હતાં. નાની સિંચાઇ યોજનાઓ, ચેકડેમ, તળાવો સહિત જિલ્લાના જળાશયોમાં પણ આવક શરૂ થઈ ગઈ હતી. વરસાદને પગલે કોઝવે પરથી પાણી વહેતા થતાં હિંમતનગર તાલુકાના કેટલાંક ગામોનો બપોર સુધી એક તરફી સંપર્ક તૂટી ગયો હતો. પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.વડાલીના સવૈયાનગરમાં રહેતા લોકો નીચાણવાળા વિસ્તારને કારણે હાલાકીમાં મૂકાયા હતા. પાણી ઝૂંપડામાં ઢીંચણસમા ભરાઇ જતાં જે કંઇ પણ હતું તે બગડી ગયું હતું. લોકો સવારે પીવાના પાણી માટે પણ વળખા મારી રહ્યા હતાં. ગુરૂવાર સાંજ સુધીના સાર્વત્રિક વરસાદમાં ઉત્તર ગુજરાતના 8 તાલુકામાં અતિભારે, 7 તાલુકામાં 2થી 3 ઈંચ, 17 તાલુકામાં 1-2 ઇંચ અને 15 તાલુકામાં હળવો વરસાદ રહ્યો હતો.દાંતા, ભાભરમાં 2 ઇંચ, પોશીના, વિજાપુર, જોટાણા, સરસ્વતી અને હારીજમાં દોઢ ઇંચ સુધી, પાલનપુર, ધનસુરા, ચાણસ્મા, બાયડ અને વડગામમાં સવા ઇંચ, ખેરાલુ, પાટણ, બહુચરાજી અને સુઇગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.દાંતીવાડામાં 21, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 15, ડીસામાં 13 મીમી, વડનગરમાં 13 મીમી વરસાદ પડ્યો હતો.