Face Of Nation : ગઈ મોડી રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોળ ખોલી નાખી છે. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ કોર્પોરેશન તંત્રના પાપે આજે પ્રજાને ડૂબવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પ્રિ મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે. સોલા સાયન્સસિટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જો કે વરસાદ બંધ થયો હોવા છતાં અહીં પાણી ઉતર્યા ન હતા. અધિકારીઓ કે કોર્પોરેટરો અહીં ડોકાયા પણ નહોતા. સામાન્ય કામોમાં વાહવાહી લૂંટાવવા મોટા ઉપાડે સજીધજીને આવી જતા આવા સમયે ક્યાં ગોદડામાં લપાઈને છુપાઈ જાય છે તે સમજાતું નથી. સાયન્સ સીટી રોડ ઉપર આવેલા જલારામ પરોઠાની ગલીમાં આવેલા મહાલ્યા બંગલો ચાર રસ્તા પાસે પાણી ભરાઈ ગયા હતા. અહીં પાણી ભરાવવાની દર વર્ષની સમસ્યા હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરોને કોઈ નક્કર કામગીરી કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારની રાત્રે આવેલા ભારે વરસાદને કારણે અહીં ઝાડ પડતા એક તરફ્નો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.