Face Of Nation:અમરેલી જિલ્લામા ચોથા દિવસે પણ મેઘમહેર ઉતરી હતી. જિલ્લામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ નવસારી અને જસદણમાં 3 ઇંચ જેટલો પડ્યો હતો. જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જસદણમાં ધોધમાર વરસાદ પડવાને પગલે નદીઓમાં પૂર આવ્યાં હતાં. હાપામાં વીજળી પડતાં એક યુવાનનું મોત થયું હતું. ઘેલાસોમનાથ પાસે 3 ઇંચ વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું.
અમરેલી જિલ્લામા ચોથા દિવસે પણ મેઘમહેર ઉતરી હતી. સાવરકુંડલામા બે ઇંચ, લાઠીમા એક ઇંચ ઉપરાંત બાબરા, રાજુલામા અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જયારે જાફરાબાદ અને ધારી પંથકમા હળવા ઝાપટા પડી ગયા હતા. જસદણ શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જસદણના ગ્રામ્ય પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જામનગરના લાલપુરમાં સવા ઇંચ પાણી પડયુ હતુ.જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ અડધાથી એકાદ ઇંચ પાણી વરસાવ્યુ હતુ. જેમાં પીપરટોડામાં 26,મોટા ખડબામાં 30, જાંબુડામાં 16, જામ વંથલીમાં 15, બેરાજામાં 15, શેઠ વડાળામાં 20, જામવાડીમાં 30, ધુનડામાં 17, ધ્રાફામાં 15, ભણગોરમાં 13 મીમી. વરસાદ બુધવાર સાંજ સુધીમાં નોંધાયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. ભાવનગર જિલ્લામાં ઉમરાળા, મહુવા અને ગારિયાધારમાં અડધા ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળા, પાલિતાણા અને સિહોરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. નવસારીમાં સાંજે અચાનક કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર દોઢ કલાકમાં જ પોણા ત્રણ ઇંચ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.