Home Gujarat અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ; સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, 8મી જૂનથી...

અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ; સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, 8મી જૂનથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી,જુઓ Video

https://youtube.com/shorts/4ZPT_GNEa7s

Face Of Nation 07-06-2022 : અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
સાવરકુંડલા તાલુકામાં કરા સાથે વરસાદ
સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં પણ આકરી ગરમી પડી રહી છે. એની વચ્ચે આજે સાવરકુંડલાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી.
સૌરાષ્ટ્રમાં આઠમી જૂનથી વરસાદની આગાહી
રાજ્યમાં એક-બે દિવસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગે 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટાને કારણે ચાર દિવસ સુધી સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.
દેશમાં 103 ટકા વરસાદની આગાહી
આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).