Face Of Nation:નૈઋત્યનું ચોમાસું બેઠું ત્યારથી એકધારા વરસાદ માટે તરસી રહેલી ગુજરાતની ધરાને આગામી સપ્તાહે મેઘરાજા બરાબર ભીંજવી જશે તેવા એંધાણ મળ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી 27 જુલાઈથી ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન ખાતાના અહેવાલ મુજબ, 25 જુલાઈથી બંગાળના અખાત તેમજ બાંગ્લાદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાની અપેક્ષા છે. આ કારણે ચોમાસાની સિસ્ટમ 26 જુલાઈથી વધુ સક્રિય બનશે અને તેમાં પણ લો-પ્રેશરવાળા વિસ્તારોમાં ભારે સક્રિયતા જોવા મળશે. આ કારણે સ્થાનિક વિસ્તારો જેવા કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 26મીએ ભારે વરસાદ પડશે. આ લો-પ્રેશર 27 જુલાઈએ છત્તીસગઢ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાશે.આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીએ તો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના ઉત્તર અને પૂર્વના વિસ્તારોમાં 27 તારીખથી ચાર દિવસ સુધી ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થશે. આ કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ 27 જુલાઈથી ચાર દિવસ સુધી જોવા મળી શકે છે. આ સિસ્ટમ 30 જૂનથી દક્ષિણના રાજ્યો તરફ ફંટાઈ શકે છે.