Home Politics રાજીનામું આપવાની વાત પર રાહુલ ગાંધી મક્કમ,જલદીથી જલદી નવા અધ્યક્ષ માટે ચૂંટણી...

રાજીનામું આપવાની વાત પર રાહુલ ગાંધી મક્કમ,જલદીથી જલદી નવા અધ્યક્ષ માટે ચૂંટણી કરાવવાની મુકી માંગણી

બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કોઇ પણ ભોગે રાજીનામું પરત લેવાના મૂડમાં નથી. જલદીથી જલદી આ પદ માટે ચૂંટણી થવી જોઈએ.

Face Of Nation:નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં ઉભું થયેલું સંકટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની વાત પર અડગ છે અને નવા અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીમાં જલદીથી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઈએ. હવે હું આ પદ પર નથી. રાહુલે એમ પણ કહ્યું કે, પાર્ટીના નવા અધ્યક્ષની એક મહિના પહેલા જ વરણી થઈ જવી જોઈતી હતી.

બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કોઇ પણ ભોગે રાજીનામું પરત લેવાના મૂડમાં નથી. જલદીથી જલદી આ પદ માટે ચૂંટણી થવી જોઈએ. હું આ પદ પર નથી. 23 મેના રોજ લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાની ઓફર કરી હતી.

રાહુલે જ્યારેથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કરી છે ત્યારથી પાર્ટીમાં ખળભળાટ મચી ગઈ છે. હારની જવાબદારી કોઈ નેતાએ લીધી નહોતી તે વાતને લઈ પણ રાહુલે નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધી પર રાજીનામું પરત લેવા તેમના સમર્થક દબાણ બનાવી રહ્યા છે. કાર્યકર્તા વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓને મળવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલ પણ પહોંચ્યા હતા.

કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ રાહુલ ગાંધીને મળીને રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. પરંતુ રાહુલ ગાંધી દરેક વખતે એક જવાબ આપતા હતા કે તેઓ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે અને હવે તેમનો ફેંસલો નહીં બદલે.