Home News રાજકોટમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ,ન્યારી ડેમમાં નીર ઉભરાયા નીચાણવાળા 16 ગામોને...

રાજકોટમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ,ન્યારી ડેમમાં નીર ઉભરાયા નીચાણવાળા 16 ગામોને એલર્ટ

Face Of Nation:રાજકોટ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 12 ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે. શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ફરિયાદો મળી છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં પડેલ ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં થઇ નવા નિરની આવક થઈ છે. ન્યારી-1 ડેમમાં 2.50 ફૂટ , આજી-1 ડેમમાં 1.80 ફૂટ , ભાદર ડેમમાં 1.50 ફૂટ નવા નિરની આવક થવા પામી છે. ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતા ૧૦ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે ન્યારી-2 ડેમમાંથી 21,230 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ન્યારી-2 ડેમમાં પાણી છોડવામાં આવતા આસપાસના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારી-1 અને ન્યારી-2 ડેમના નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારી-2 હેઠળ આવતા ગોકલપુર, રંગપર, તરઘડી, વિરપુર, પટી-રામપર, બોડી-ઘોડી, પડધરી જ્યારે ન્યારી-1 હેઠળ આવતા ઇશ્વરીયા, વડ-વાજડીયા, વાજડીગઢ, વાજડી(વિરડા), હરિપર-પાળ, વેજાગામ, ખંભાળા, ઢાંકરિયા અને ન્યારા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.રાજકોટમાં ધરમ સિનેમા પાસે માઈન રોડ પર ઝાડ પડી જતાં તંત્ર દ્વારા તાત્કાલીક કામગીરી કરવામાં આવી હતી. ઝાડ પડી જવાની જાણ થતાં જ RMC તથા PGVCLના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. RMC તથા PGVCLની પ્રશંસનીય કામગીરી દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવેલ. જેથી ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે.