Face Of Nation:રાજકોટ થોડા દિવસ પહેલા ભક્તિનગર પોલીસે એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા સગીર સહિત બે શખ્સને દબોચ્યા હતા. ત્યાં કુવાડવા પોલીસે પોપટપરાના બે શખ્સોને ઝડપી લીધા છે. આ બંનેએ રાતોરાત માલદાર થવા કાવત્રુ ઘડી રિક્ષામાં ગેસ કટર સહિતના સાધનો સાથે જઇ છેલ્લા પંદર દિવસમાં અલગ-અલગ સ્થળોએ ચાર એટીએમ કાપવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લે મોરબી રોડ બેડી ગામમાં આવેલી મારવાડી કોલેજના ગેઇટ પાસેનું એટીએમ કાપી રહ્યા હતાં ત્યારે જ દબોચાઇ જતાં તપાસ થઇ રહી છે.
કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ બુટાભાઇ કાટોડીયાએ ફરિયાદી બની પોપટપરાના ધનજી ઉર્ફે ધનો દેવજીભાઇ દેગામા તથા રાહિલ દોસ્તમહમદભાઇ કટીયા સામે આઇપીસી 380, 511, 120 (બી), 114 મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે રવિ-સોમની મોડી રાતે બે વાગ્યે ધનજી અને રાહિલ કટીયાને સકંજામાં લીધા હતાં. આ બંને રિક્ષા લઇને બેડી ગામની મારવાડી કોલેજના ગેઇટ પાસેનું બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને એટીએમમાં લોખંડની ધારદાર કોશ, ડિસમીસ સહિતના સાધનો સાથે ઘૂસ્યા હતા અને તોડફોડનો પ્રયાસ કર્યો હતો. એ પછી ગેસ કટર લેવા માટે રિક્ષા નજીકમાં રાખી હોય ત્યાં આવ્યા હતાં. તે વખતે જ હેડકોન્સ્ટેબલ બુટાભાઇ ભરવાડ સહિતના નાઇટ પેટ્રોલીંગમાં નીકળતાં સકંજામાં આવી ગયા હતાં.