Face Of Nation:ગુજરાત પોલીસ કર્મચારીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યાં છે. હજી થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાની ઘટનના પડઘા શાંત પણ નથી પડ્યા ત્યાં રાજકોટમાં બબ્બે પોલીસકર્મીઓએ મોતને વ્હાલુ કર્યું છે. રાજકોટમાં ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી જીવન ટુંકાવી લીધાની ઘટનાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. કોન્સ્ટેબલના મૃતદેહ પાસેથી બંદુક મળી આવી છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાને ગોળી માર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની વિગત પ્રમાણે રાજકોટનાં નવા 150 ફૂટ રોડ પર મારુતિનાં શોરૂમ પાછળ આવેલા પંડિત દિન દયાળ નગરમાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા. જ્યારે રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા. બંને પોલીસકર્મીઓએ આજે સવારે આપઘાત કરી લીધો હતો.
બંને પોલીસકર્મીઓ એક જ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. એએસઆઈ ખુશ્બુબેન અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા. આત્મહત્યાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્યૂસાઇડ નોટ હજી હાથ નથી લાગી
હાલ પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી કોઇ સ્યૂસાઇડ નોટ મળી આવી નથી. હાલ ખુશ્બુ અને રવિરાજસિંહનાં પરિવારજનો અને મિત્રો ઘટનસ્થળે આવી ગયા છે. પરિવારમાં દુખની લહેર છવાઇ ગઇ છે.
ગોળીબાર કરી આપઘાત કર્યો હોવાની આશંકા
ખુશ્બુ અને રવિરાજસિંહનાં મૃતદેહો પાસેથી રિવોલ્વર મળી આવી છે. જેથી આશંકા સેવાઈ રહી છે કે, બંનેએ રિવોલ્વરથી જ આપઘાત કરી લીધો છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ આપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.