રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
Face Of Nation:વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. સોમવારે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. આ વચ્ચે મંગળવારે સવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મંગળવારે અમદાવાદના બોપલ-ઘુમા, સરખેજ, પ્રહલાદનગર, વાસણા તેમજ પૂર્વના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો અરવલ્લી, દાહોદ, સુરત, છોટાઉદેપુર તેમજ ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ તરફથી હજી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસા, શામળાજી સહિત શહેરમાં સવારથી જ વરસાદ નોંધાયો છે. મોડાસા પંથકમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ પડી જતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. જ્યારે મેઘરજમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
સુરત જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. હવામાન વિભાગ તરફથી આગામી 48 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાની આગાહી આપવામાં આવી છે. મંગળવાર સવાર સુધી બારડોલીમાં 07 મિમી, ઓલપાડમાં 32 મિમી, પલસાણામાં 16 મિમી અને સુરત શહેરમાં 69 મિમી વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લાના આહવામાં 03 મિમી, સુબિરમાં 13 મિમી, સાપુતારામાં 03 મિમી વરસાદ પડ્યો છે.
દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. મંગળવારે સવારે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગરબાડામાં 18 મિમી, ઝાલોદમાં 15 મિમી, દેવગઢબારીયામાં 25 મિમી, દાહોદમાં 28 મિમી, ધાનપુરમાં 07 મિમી, લીમખેડામાં 06 મિમી, સંજેલીમાં 25 મિમી, સિંગવડમાં 29 મિમી વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે. જિલ્લાના બોડેલી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. જેમાં પાવીજેતપુરમાં ચાર ઈંચ, છોટાઉદેપુરમાં અઢી ઇંચ, બોડેલીમાં બે ઈંચ, સંખેડામાં એક ઇંચ, કવાંટમાં પોણો ઇંચ, નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં મંગળવાર સવારથી જ મેઘ મહેર જોવા મળી છે. વહેલી સવારથી જ પાંથાવાડા, દાંતીવાડા, ડીસા, પાલનપુર પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ.
તાપી જિલ્લામાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. વ્યારા, સોનગઢ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.