અમદાવાદની અસહ્ય ગરમી હાથી માટે જોખમી હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય
હાથી ગુજરાત ન મોકલવા આસામના સાંસદે જાવડેકરની મદદ માંગી
અમદાવાદ પહોંચતા ચાર દિવસ લાગશે અને ત્યારબાદ 6 મહિના અહિંયા જ રહેશે
Face Of Nation:અમદાવાદમાં 4 જુલાઈએ નીકળનારી રથયાત્રા માટે આસામથી ચાર હાથી લાવવામાં આવશે. આસામના આ ચારેય હાથી ટ્રેનમાં 70 કલાકની મુસાફરી કરી જગન્નાથ મંદિરે આવશે. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના અધિકારીઓએ આસામના તિનસુકિયાથી ટ્રેન મારફતે ચાર હાથી અમદાવાદ મોકલવાની અરજી મળી હોવાની માહિતી આપી હતી. ચારેય હાથી નોન એસી પાર્સલ વાનમાં મોકલવામાં આવશે. રેલવે સામાન્ય રીતે ગુડ્સ માટે આ પાર્સલ વાનનો ઉપયોગ કરે છે. વાનમાં હાથીને ખોરાક અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. તેમજ એક વેટરનરી ડોક્ટર સાથે રહેશે.
અસહ્ય ગરમી હાથીઓ માટે મુસીબત સર્જી શકે
ફોરેસ્ટ વિભાગે આસામથી હાથી મોકલવા અંગે નિષ્ણાતોનો અભિપ્રાય માગ્યો હતો. સંખ્યાબંધ નિષ્ણાતોએ દરખાસ્ત વિરુદ્ધ મત આપ્યો હતો પરંતુ ઉચ્ચ સ્તરેથી દરખાસ્ત આવી હોવાથી કશું થઈ શકે એમ નથી. નિષ્ણાતોના મતે આસામની સરખામણીએ ગુજરાતની અસહ્ય ગરમી હાથીઓ માટે મુસીબત સર્જી શકે છે.
હાથી ગુજરાત ન મોકલવા આસામના સાંસદે જાવડેકરની મદદ માંગી
આસામ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ગુરુવારે પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને અપીલ કરી હતી કે, ગુજરાતના અમદાવાદમાં યોજનારી રથયાત્રામાં આસામના ચાર હાથી મોકલવામાં ના આવે. આ માટે ખુદ પર્યાવરણ મંત્રાલયે દરમિયાનગીરી કરવી જોઈએ. આ પત્રમાં કાલિયાબોરના સાંસદ ગોગોઈએ ચિંતા વ્યક્ત કરી છે કે, અમદાવાદની ભયાનક ગરમી હાથીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. હાલ દેશના અનેક સ્થળ ભયાનક હીટ વેવનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત દેશના અનેક સ્થળ છ દાયકાના સૌથી ભયાનક દુકાળની ચપેટમાં છે. મીડિયામાં અહેવાલો હતા કે, આસામ સરકાર અમદાવાદની રથયાત્રા માટે ચાર હાથીને ગુજરાત મોકલવાની છે, જે આ વાતાવરણમાં ખરેખર ચિંતાનો વિષય છે. હીટવેવથી અહીંના હાથી સ્કિન ઈન્ફેક્શન અને ડિહાઈડ્રેશનનો ભોગ બની શકે છે.
હાથી 6 મહિના રહેશે
આસામ જંગલ વિભાગે બે નર અને બે માદા હાથીને ગુજરાત મોકલવાની ઔપચારિક કાર્યવાહી પૂરી કરી દીધી છે. અપર આસામ ફોરેસ્ટ કન્ઝર્વેટર રંજન કુમાર દાસે આ ચારેય હાથીને ટ્રેનથી ગુજરાત મોકલવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ પહોંચતા તેમને ચાર દિવસ લાગશે. ત્યાર પછી તેઓ છ મહિના અમદાવાદમાં રહેશે.