Face Of Nation:લોકસભામાં ગુરુવારે ત્રણ તલાક બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે યુપીએના દરેક સભ્યોને આ બિલનો વિરોધ કરવા કહ્યું છે. એઆઈએમઆઈએમ અને તૃણમૂલ તેના વિરોધમાં છે. ચર્ચાની શરૂઆતમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, સુપ્રીમ કોર્ટ કહી ચૂક્યું છે કે, ત્રણ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય મળવો જોઈએ. સીજેઆઈએ કાયદો બનાવવા માટે કહ્યું છે. કોર્ટના નિર્ણય પછી પણ દેશમાં ત્રણ તલાકના 345 કેસ સામે આવ્યા છે.
રવિશંકરે કહ્યું, આ સરકારે જ ભારતની દીકરીઓને ફાઈટર પાયલટ બનાવી છે. આજે મહિલાઓ ચંદ્રયાન મિશનને પણ લીડ કરી રહી છે. આજે આ ગૃહમાં 78 મહિલાઓ ચૂંટાઈને આવી છે. આ વખતે મારું પણ નસીબ છે કે, હું પટનાથી લોકસભાનો સભ્ય બન્યો છું. આ વખતે ગૃહનો અવાજ દબાયેલો નહીં રહે. ત્રણ તલાક બિલને રાજકારણના ચશ્મામાંથી ન જોશો. આ મુદ્દો નારીના ન્યાય અને ગરિમાનો છે. દુનિયાના 20 ઈસ્લામિક દેશોએ ત્રણ તલાક બિલમાં ફેરફાર કર્યા છે.ભાજપ અને કોંગ્રેસે તેમના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યા છે અને ચર્ચા અને દલીલો દરમિયાન તેમને સંસદમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. બિલમાં એક સાથે ત્રણ વાર તલાક બોલીને ડિવોર્સ આપવાને (તલાક-એ-બિદ્દત)ને ગુનો ગણાવવામાં આવ્યો છે અને તે સાથે જ દોષિતને જેલની સજા આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.