Home News સુરત:રેલીમાં તોફાન મચાવનાર તોફાનીઓ પકડાયા,સાતની કરવામાં આવી ધરપકડ

સુરત:રેલીમાં તોફાન મચાવનાર તોફાનીઓ પકડાયા,સાતની કરવામાં આવી ધરપકડ

તોફાની તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો
પોલીસે 7 ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા

Face Of Nation:સુરતઃ મોબ લિંચિંગના બનાવના વિરોધમાં વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના નેજા હેઠળ શુક્રવારે બપોરે 3 વાગ્યે ખ્વાજા દાના દરગાહ, બડેખાંચકલા ખાતેથી 5 હજાર લોકોની નીકળેલી મૌન રેલી મકાઇપુલ પાસે આવતા જ તોફાની બની હતી. બસમાં તોડફોડ, પથ્થરમારો થયો હતો. જેથી પોલીસે 7 જેટલાની ધરપકડ કરી હતી. જેમને આજે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી પરિક્ષણ માટે લાવવામાં આવ્યા હતા.

પોલીસ સાથે ઘર્ષણ થયું

મૌન રેલીની પરમિશન નહીં હોવાના કારણે રેલી મકાઇપુલ પાસે આવતા જ બંદોબસ્તમાં તૈનાત પોલીસે રેલીને રોકી દેવા માટે જણાવ્યું હતું. જો કે, રેલીમાં રહેલા લોકોએ રેલી કલેક્ટર કચેરી સુધી જશે એવી જીદ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તોફાની તત્વોએ પોલીસ પર હુમલો કરીને બસ તથા ખાનગી વાહનોની તોડફોડ કરી હતી. દોઢથી બે કલાક સુધી તોફાન ઘર્ષણ થતાં પોલીસે ફાયરિંગ કર્યા ઉપરાંત 7 ટિયરગેસના સેલ છોડ્યા હતા. આ ઘટનામાં 4 પોલીસ અધિકારીઓને નાની મોટી ઇજા થઈ હતી. રેલીમાના એક ટોળાએ આગળ નીકળી પોલીસ પર જ હુમલો કરતા ફરજ પરના પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું. ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસે કલમ 144 લાગુ કરી હતી.

સિવિલમાં તબીબી પરિક્ષણ

રેલી દરમિયાન તોફાનમાં પોલીસે અસલમ સાયકલવાળા, બાબુભાઇ પઠાણ, ઇકબાલ ફરામ, સાજીદ શા, સબીર ચા વાળા સહિત સાતની ધરપકડ કરી હતી. અને પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ આજે તબીબી પરિક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.