Face Of Nation:ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ કેન્દ્રમાંની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની ટીકા કરવી હવે રાષ્ટ્ર વિરોધી બની ગયું છે. સમાજમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે અભિનેત્રીને ઇન્દોરમાં આનંદમોહન માથુર ચેરિટેબલ ટ્રસ્ટ વતી કુંતી માથુર સન્માન મળ્યું હતું. આ સન્માન મળ્યા બાદ અભિનેત્રીએ કેન્દ્ર સરકારની નીતિઓનો આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ હાજર હતા. દિગ્વિજય સિંહે પણ સરકાર પર હલ્લા બોલ અને મોબ લિચિંગ મામલે સરકાર અને આરએસએસને આડે હાથ લીધી હતી. દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે મોબ લિચિંગના બે કારણો છે. પહેલું કારણ લોકો નારાજ છે કારણ કે તેમને સમયસર ન્યાય નથી મળતો.
શબાનાએ શું જણાવ્યું?
પીટીઆઇ અનુસાર શબાના આઝમીએ જણાવ્યું હતું કે અત્યારે માહોલ એવો બનાવવામાં આવી રહ્યો છે કે સરકારની કોઇપણ ટીકા કરે તેને તત્કાળ રાષ્ટ્રવિરોધી જાહેર કરી દો. તેમણે દેશની નબળાઇને દૂર કરવા માટે તેને છૂપાવવા કરતા સામે લાવવાની તાતી જરૂર હોવાનું જણાવ્યું હતું. શબાનાએ શનિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આપણા દેશના ઉત્ત્થાન માટે તેની નબળાઇ દર્શાવવી પણ ખૂબ જ જરૂરી છે.
સાંપ્રદાયિકતાનો વિરોધ
આઝમીએ સાંપ્રદાયિકતાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે હિંદુસ્તાન એક સુંદર દેશ છે. લોકોને વ્હેંચવાના પ્રયાસ આ દેશ માટે ખરા સાબિત થઇ શકે એમ નથી. સાંપ્રદાયિક દંગા-ફસાદથી સૌથી વધારે તકલીફ મહિલાઓને થતી હોય છે. દંગા-ફસાદથી એક મહિલાનું ઘર બરબાદ થઇ જતું હોય છે. તેના બાળકો બેઘર થઇ જાય છે અને તેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. સાંપ્રદાયિકતાની સૌથી મોટી શિકાર મહિલાઓ જ બનતી હોય છે.
ભાજપે આઝમીની વાતને પાયાવિહોણી ગણાવી
શબાના આઝમીની ટિપ્પણ બાદ ભાજપ નેતા જીવીએલ નરસિંહા રાવે જણાવ્યું હતું કે દરેક વ્યકિતને ભાજપ પક્ષને નાપસંદ કરવો, પોતાનો મત વ્યકત કરવો, સત્તા વિરૂધ્ધ બોલવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ આવા નિવેદનો પાયાવિહોણા છે. આ ભારતની સૌથી સહિષ્ણુ સરકાર છે.