Home Religion મેઘાનું રૌદ્ર સ્વરૂપ; 3 કલાકમાં જળબંબાકાર : બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ,...

મેઘાનું રૌદ્ર સ્વરૂપ; 3 કલાકમાં જળબંબાકાર : બગદાણામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદ, મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ કરાયો બંધ!

Face Of Nation 29-06-2022 : ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધારે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. સિઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા. બગડના પાણી ફરી વળતા મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.
બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું
મંગળવારે બપોરથી વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.
બગડ ડેમ પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો
ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 % ભરાઈ ગયા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મિમી ઓવરફલો થયો હતો. જળાશયમાંથી વહેતો પૂરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે. તો બીજીતરફ રાત્રે 10 વાગ્યા સુધીમાં જે જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થયો છે જેમાં બગડ ડેમ જળસ્ત્રાવ વિસ્તારમાં 170 મિમી. અને રંઘોળા ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો.
બગડ ઓવરફ્લો થતા ક્યા ક્યા ગામોને અસર
બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).