Home News શંખેશ્વર:જુગાર પકડવા ગયેલી પોલીસ પર 7 શખ્સો સહિત 15થી 20 લોકોના ટોળાએ...

શંખેશ્વર:જુગાર પકડવા ગયેલી પોલીસ પર 7 શખ્સો સહિત 15થી 20 લોકોના ટોળાએ કર્યો હુમલો

શંખેશ્વર પોલીસ પાડલા ગામમાં રેડ કરવા જતાં કોન્સ્ટેબલને એક શખ્સે ધોકો બરડામાં માર્યો હતો, બીજા લોકોએ અન્યને ગડદાપાટુથી મારપીટ કરી ટીશર્ટ કાઢી નાખી હતી

Face Of Nation:પાટણ શંખેશ્વર તાલુકાના પાડલા ગામે જુગારની રેડ કરવા ગયેલી પોલીસ પર સાત શખ્સો સહિત 15 થી 20 માણસોના ટોળાએ હુમલો કરી એક કોન્સ્ટેબલને ધોકા અને ગડદાપાટુથી મારપીટ કપડાં ફાડી નાખ્યા હતા જેને પગલે પોલીસે આ અંગે શંખેશ્વર પોલીસ મથકે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે ગામના કેટલાક લોકો શનિવારે પાટણ ખાતે કલેકટર અને એસપી કચેરી ખાતે પોલીસ વિરોધી રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ પાછા ફર્યા હતા.
શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાકેશ કુમાર બંકિમ ચંદ્ર સહિત અન્ય પોલીસ કર્મચારીઓ શુક્રવારે સાંજે 6:00 ના અરસામાં પાડલા ગામે જુગારની રેડમાં ગયા હતા તે વખતે કોર્ડન કરી જુગાર રમતા વ્યક્તિઓને પકડવા જતા ઈકબાલ ખાન મોતીભાઈ ભટી સહિત અન્ય સાત શખ્સો સહિત 15 થી 20 માણસોનું ટોળું ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસ કોન્સ્ટેબલ રાકેશ કુમાર પર હુમલો કર્યો હતો અને તમે કેમ રેડમાં આવ્યા છો જીવતા જવા દેવા નથી મારો મારોની બુમો પાડી દોડી આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ નીતેશકુમાર રતુજીને પકડી ઈકબાલ ભટીએ ધોકો બરડામાં માર્યો હતો જ્યારે બીજા શખ્સોએ અન્યને ગડદાપાટુથી મારપીટ કરી ટીશર્ટ કાઢી નાખી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા આ અંગે શંખેશ્વર પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ રાકેશ કુમારે પાડલાના સાત શખ્સો સહિત 15થી 20 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ એએસઆઈ રમણભાઈએ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે ગામમાં આવેલી પીરની દરગાહે અષાઢ માસના પ્રથમ શુક્રવારે ખીચડીનો પ્રસાદ કરવામાં આવે છે જેમાં પાડલા ધનોરા મંકોડીયા અને દાતીસણા ગામના હિન્દુ મુસ્લિમ લોકો જોડાતાં મેળા જેવો માહોલ જામે છે.શુક્રવારે સાંજે મેળાનો માહોલ હતો તે વખતે અા ઘટના બની હતી તેમ ગામલોકોએ જણાવ્યું હતું.
જુગારની રેડ કરવા જતા હુમલો
શંખેશ્વર પી.આઈ સુરેશભાઈ વરીયા એ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ જુગારની રેડ કરવા માટે ગયા હતા તે વખતે તે શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં બે પોલીસ કર્મચારી રાકેશ અને નિતેશ ને ઇજાઓ થતા શંખેશ્વર સરકારી દવાખાના ખાતે સારવાર આપવામાં આવી હતી.