Home Uncategorized સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટમાં રેલમછેલ,દોઢ કલાકમાં દોઢ ઈંચ તૂટી પડ્યો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટમાં રેલમછેલ,દોઢ કલાકમાં દોઢ ઈંચ તૂટી પડ્યો

Face Of Nation: ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજકોટ જિલ્લાના કાગદળી અને છતર સહિત રાજકોટ-મોરબી હાઈવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાઈવે પર ભારે પવન સાથે વરસાદના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં સવારના 4થી 10 વાગ્યા સુધીમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ ચાલુ સિઝનમાં માત્ર 8થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ શહેરમાં દોઢ ઇંચ, રાજકોટ ગ્રામ્યમાં એક ઇંચ, પડધરીમાં એક ઇંચ, વીંછિયા અડધો ઇંચ, જસદણમાં 3 એમએમ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, રૈયા રોડ, જામનગર રોડ, યાજ્ઞીક રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે ભેંસાણ, વંથલી, માણાવદર, વિસાવદર, પડધરી, ચોટીલા, જામનગર, તાલાલા અને ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.મચ્છુ-1 ડેમના આજુબાજુના ગામડામાં મધરાતથી જ સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈને મચ્છુ-1માં નવા નીરની આવક થઈ છે.વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવણના લીધે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.પરિણામે સાવચેતીના ભાગરૂપે ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા બેટદ્વારકા ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાતા હજારો યાત્રીકો બેટદ્વારકાના દર્શન કર્યા વિના ઓખાથી પરત ફર્યા હતાં. સમુદ્ર વચ્ચે આવેલા બેટદ્વારકા પહોંચવા માટે યાત્રીકોને ઓખાથી ફેરીબોટમાં જવુ પડે છે.ગુજરાત મેરીટાઇમ બોર્ડમાંથી લાયસન્સ મેળવી અંદાજીત 150 જેટલી ફેરીબોટ ચાલી રહી છે. જેમાં શરતોને આધીન પેસેન્જરો બેસાડવાના હોય છે.પરંતુ હવામાન ખરાબ હોય તેમજ દરિયામાં કરંટ હોવાથી ફેરીબોટ સર્વિસ ચલાવવી જોખમી હોવાથી તાત્કાલીક ફેરીબોટ બંધ કરી દેવાતી હોય છે.ત્યારે બે દિવસથી વાતાવણમાં પલટો આવતા તેમજ વરસાદની આગાહી વચ્ચે દરિયામાં કરંટ જોવા મળતા ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.