Face of Nation:રાજકોટ જિલ્લામાં શનિવારે સાંજે ગોંડલ, કોટડાસાંગાણી, જસદણ સહિતના તાલુકાઓમાં વરસાદ ઝાપટા વરસ્યા હતા.જેમાં ગોંડલ શહેર તથા તાલુકામાં દિવસ દરમિયાન ગરમીનું વાતાવરણ રહ્યા બાદ સાંજના સુમારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું અને તાલુકાના શેમડા, બિલીયાળા, ભુણાવા જ્યારે કોટડાસાંગાણી પંથકમા આખો દિવસ બફારા પછી વાતાવરણમા અચાનક પલ્ટો આવતા તાલુકાના રાજપરા, નવાગામ વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જસદણના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થતા તાલુકાના આંબરડી, ઘેલા સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી. તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદના ઝાપટા વરસ્યા હતા.
ધારી, બાબરા, બગસરામાં મેઘાની પધરામણી
અમરેલી પંથકમા વરસાદી વાદળો ઘેરાઇ આવ્યા હતા. જો કે અમરેલીમા વરસાદ પડયો ન હતો. પરંતુ બાબરામા સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. અહીં જોરદાર ઝાપટુ પડી જતા બજારોમાં પાણી નીકળી ગયા હતા. અહીં ગાજવીજ સાથે વરસાદ પડતાની સાથે જ વિજળી ગુલ થઇ ગઇ હતી. મેઘરાજાના પુન: આગમનના એંધાણ વર્તાતા ખેડૂતો ખુશખુશાલ છે. આવી જ રીતે ધારી શહેર પર હળવુ ઝાપટું વરસી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. જો કે ધારી તાલુકાના ડાંગાવદરના ઉપરવાસમા ભારે વરસાદ પડી જતા નેરામા પુર આવ્યું હતુ. પીપરીયા, ભાડેર વિગેરે ગામમા પણ વરસાદ હોવાના વાવડ છે. તો બીજી તરફ બગસરાના નાના મુંજીયાસર, રફાળા, શાપર વિગેરે ગામમા પણ વરસાદી ઝાપટુ પડી જતા ગામના માર્ગો પર પાણી વહી ગયા હતા.
ધોળામાં પોણી કલાકમાં એક ઇંચ
ધોળા જંક્શન ખાતે પોણી કલાકમાં એક ઈંચ વરસાદ વરસી જતા રેલ્વે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ હતી. પ્રથમ આર્દ્રા નક્ષત્રના આરંભે મેઘરાજાએ ભાવનગર જિલ્લામાં મુહૂર્ત સાચવ્યું છે અને મોડી સાંજે ધોળામાં ગાજવીજ સાથે માત્ર પોણી કલાકમાં એક ઇંચ ધોધમાર વરસાદ ખાબકી જતા ધોળામાં ટાઢોડું પ્રસરી વળ્યું હતું. વલભીપુરમાં પણ વરસાદના ઝાપટા વરસી ગયા હતા. જિલ્લામાં અન્યત્ર ગરમી રહી હતી. ઉમરાળામાં 4 મી.મી. અને વલભીપુરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉમરાળા તાલુકાના લીમડા, પરવાળા, ચોગઠ, ધારૂકા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉમરાળામાં સાંજથી વિજળી ગુલ થઈ ગઈ હતી અને રાતના 9.30 વાગ્યાનો સમય વિતી ગયો હોવા છતા લાઈટ આવી ન હતી આમ આ હળવા વરસાદથી PGVCLની નબળાઈ છતી થઈ હતી.