Home News જસદણ:માન્યતા વગર ચાલતી સ્કૂલની મનમાની,બેફિકર સંચાલકો ખુલ્લેઆમ વર્ગો ચલાવી રહ્યા છે

જસદણ:માન્યતા વગર ચાલતી સ્કૂલની મનમાની,બેફિકર સંચાલકો ખુલ્લેઆમ વર્ગો ચલાવી રહ્યા છે

આ શાળાએ બોર્ડની માન્યતા વિના એડમીશન આપી 393 વિદ્યાર્થીઓ પાસેથી 20 લાખ ખંખેર્યા હતા
બોર્ડની માન્યતા ન હોવા છતાં સંચાલકો હજુ પણ ધો. 9ના 4, ધો.10ના 2 અને ધો.11ના 2 વર્ગો ચલાવી રહ્યા છે

Face Of Nation:  જસદણના લીલાપુર ખાતે આવેલ હરિ ઓમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ન હોવા છતાં ધો.9થી12ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યાની ફરિયાદ મળતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે ગત સોમવારે જસદણના ખાંડા હડમતિયા ખાતે આવેલી ધ અલ્ટ્રા માય સ્કૂલ ખાતે દરોડો પાડ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સ્કૂલનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો હતોય. ત્યારે બુધવારે ધ અલ્ટ્રા માય સ્કૂલના સંચાલકોએ ડીઈઓના હુકમનો અનાદર કરી ધોરણ-9,10 અને 11ના વર્ગો ચાલુ રાખી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, આ શાળા સામે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને શાળા પણ બંધ કરવાની સુચના આપવામાં આવી છે. છતાં શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડી ખુલ્લેઆમ શિક્ષણ આપતા હોવાથી શિક્ષણ વિભાગ સામે લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

અન્ય ગ્રાન્ટેડ અને ખઆનગી સ્કૂલના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરતા

પ્રાથમિક તપાસમાં સ્કૂલના સંચાલકોએ શિક્ષણ બોર્ડની માન્યતા ન હોવા છતાં ધો.9થી 11ના 7 વર્ગો શરૂ કરી તેમાં 393 વિદ્યાર્થીઓને એડમિશન આપી રૂ.20 લાખ જેવી તગડી ફી વસૂલી લીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી. વધુમાં ડીઈઓ આર.એસ.ઉપાધ્યાયની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત પણ બહાર આવી હતી. જેમાં ધ અલ્ટ્રા માય સ્કૂલના સંચાલકો તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.9 થી 11 ના વિદ્યાર્થીઓના નામ જસદણ પંથકની અન્ય ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલમાં ચલાવતા હોવાની હકીકત બહાર આવતા શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ બનાવ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જેના આધારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલનું હિયરિંગ કરવું અને તેમાં બોર્ડના અધ્યક્ષ, સચિવ, ડીઈઓ, સ્કૂલના પ્રતિનિધિઓને હાજર રહેવું તેમજ તેમાં શાળાને ભવિષ્યમાં ક્યારેય મંજૂરી ન આપવી કે વાલીઓ પાસેથી ખોટી રીતે ફી લેવા બદલ ફોજદારી નોંધાવવી કે બ્લેક લિસ્ટ કરવા તે અંગે નિર્ણય કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ખાંડા હડમતીયાની મંજુરી હોવા છતાં જસદણની જાહેરાત કરવામાં આવતી હતી.

જસદણના ખાંડા હડમતિયા ખાતે આવેલી ધ અલ્ટ્રા માય સ્કૂલ મંજુરી વગર ચલાવવામાં આવતી હતી. જેનો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યા બાદ બીજો નવો ફણગો ફૂટ્યો હતો. જેમાં આ સ્કૂલની મંજૂરી ખાંડા હડમતિયાની હોવા છતાં તેના સંચાલકો ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણના નામે જાહેરાતો કરી વાલીઓને અંધારામાં રાખતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જો કે આ અંગે ધ અલ્ટ્રા માય સ્કૂલના ડાયરેક્ટરે પોતાની ભૂલ સ્વીકારી હવે પછી સુધારો કરી આપવાની અને ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણના બદલે ખાંડા હડમતીયા કરી નાખવાની વાત કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, આ શાળાને બંધ કરવાની ડીઈઓએ સુચના આપી હોવા છતાં ટ્યુશન વર્ગોના નામે હાટડા ચલાવી શકાય ખરા કે પછી જિલ્લા શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ ટ્યુશન વર્ગોના નામે મંજૂરીની રાહ જોવાઈ રહી છે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

અમે મંજૂરી મળવાની અપેક્ષાએ વર્ગો ચાલુ કરેલા છે: સંજયભાઈ જોષી-શાળા ડાયરેક્ટર

શાળાના ડાયરેક્ટર સંજયભાઇ જોશીએ જણાવ્યું હતું કે, અમને મંજૂરી નથી મળી પણ માત્રને માત્ર ટ્યુશન વર્ગો ચાલુ કરેલા છે. અમે સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં કોઈ પણ વિદ્યાર્થીઓ રજીસ્ટર પર નથી અને તેનો જીઆર પણ મેન્ટેન કર્યો નથી તેમજ તેનું હાજરીપત્રક પણ બનાવ્યું નથી. ધોરણ 10 ના વિદ્યાર્થીઓના અમે એડમીશન એલસી લીધા જ નથી એટલે તેના બીજા સ્કૂલમાં નામ ચાલતા હશે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓની હજી સ્કૂલ ખુલી છે એટલે જો મંજૂરી મળે તો અમે અમારી સ્કૂલમાં ચલાવીશું નહીં તો અમે ગમે તે બીજી સ્કૂલને આપી દેશું. અમે ટ્યુશન વર્ગો ચાલુ કરેલા છે. અમે અત્યારે વિદ્યાર્થીઓને શાળામાં બેસાડીએ છીએ પણ તેને બેસાડવાનો કે ધોરણ ચાલે છે કે વર્ગો ચાલુ છે તેવો કોઈ આધાર કે રેકોર્ડ અમે રાખ્યો નથી. અમે બે-ચાર દિવસ રાહ જોશું છતાં મંજૂરી નહીં મળે તો તમામ 9-10 અને 11 ના વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં બેસાડી દેશું. જો મંજૂરી નહીં મળે તો માત્ર પ્રાથમિક ચાલુ રાખીશું. આ સ્કૂલ ખાંડા હડમતીયાના સર્વે નંબરમાં ચાલે છે અને તાલુકો જસદણ આવતો હોવાથી જાહેરાતમાં ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણ લખતા હતા. તે અમે હવે સુધારી લેશું. અમારી સંસ્થા વિરુધ્ધ છાશવારે અરજીઓ થાય છે. કારણ કે અમારી સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. જેથી કોઈ પણ ભોગે અમારી સંખ્યા તોડવા અમુક લોકો જાણી જોઈને પ્રયત્ન કરી રહ્યા છે.