Home News રાજકોટ:સ્કૂલવાન ચાલકોને ટેક્સી પાસિંગ કરાવી લેવા એક મહિના માટે મળી પરવાનગી

રાજકોટ:સ્કૂલવાન ચાલકોને ટેક્સી પાસિંગ કરાવી લેવા એક મહિના માટે મળી પરવાનગી

નિયમોનું પાલન નહીં કરનાર વાનચાલક દંડાશે
આરટીઓ ચેકિંગ ચાલુ રાખશે

Face Of Nation:રાજકોટઃ શહેરની મોટાભાગની સ્કૂલવાન પ્રાઈવેટ પાસિંગના સહારે દોડી રહી છે ખરેખર દરેક સ્કૂલવાને ટેક્સી પાસિંગ કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત ફિટનેસ સર્ટિ., ક્ષમતાથી વધુ બાળકો બેસાડવા, લાઇસન્સ, વીમો સહિતના ડોક્યુમેન્ટ પણ દરેક વાનચાલક પાસે હોવા જરૂરી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આરટીઓની ચેકિંગ ડ્રાઈવમાં ટેક્સી પાસિંગ વિનાની 100થી વધુ સ્કૂલવાન અત્યાર સુધીમાં ડિટેન કરી દેતા વાનચાલકો-વાલીઓને મુશ્કેલી પડી હતી. આજે કલેક્ટર, આરટીઓ અને સ્કૂલવાન ચાલકો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં એક વાનમાં 14 વિદ્યાર્થીઓ બેસાડી શકાય પરંતુ સ્કૂલ વાન એસોસિએશને જણાવ્યું હતું કે, જો અમે 14 વિદ્યાર્થીઓ બેસાડીએ તો ફીમાં પણ વધારો કરવો પડશે.

ચેકિંગ ડ્રાઇવ રહેશે ચાલુ
વાનચાલકોએ મેયર-કલેક્ટરને રજૂઆત કરતા તાજેતરમાં જ કલેક્ટરની અધ્યક્ષતામાં વાનચાલકો, આરટીઓના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં વાનચાલકોની માગણીઓને સ્વીકારતા આરટીઓના નિયમ પ્રમાણે ટેક્સી પાસિંગ કરાવવા એક મહિનાનો સમય અપાયો છે. આ સમય દરમિયાન દરેક સ્કૂલવાન ચાલકે ટેક્સી પાસિંગ કરાવી લેવું ફરજિયાત છે. માત્ર ટેક્સી પાસિંગ કરાવી લેવા જ એક મહિનાનો સમય અપાયો છે. આરટીઓના અન્ય નિયમો જેમ કે ક્ષમતાથી વધુ બાળકો બેસાડવા, ફિટનેસ સર્ટિ., વીમો, લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ તપાસવા નિયમિત ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવનાર હોવાનું આરટીઓના અધિકારીઓએ જણાવ્યું છે.

નિયમનું પાલન નહીં કરે તો દંડ થશે
કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સ્કૂલવાન ચાલકો અને આરટીઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં ચાલકોએ આરટીઓના દરેક નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવાનું જણાવી દેવાયું હતું. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવામાં આવશે તો દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સૂચના પણ આપી હતી. જેનો સ્કૂલવાન ચાલકોએ સ્વીકાર કરી શક્ય એટલી વહેલી તકે સરકારના નિયમો મુજબ સ્કૂલવાન ચાલે તે માટે સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. હાલ સ્કૂલવાન ચાલકોને એક મહિનાનો સમય મળતા શહેરના વાલીઆે અને સ્કૂલવાન સંચાલકોને રાહત થવા પામી છે.