Home News સાયન્સસિટીમાં વ્યાજખોરોનો આતંક : ૧૦થી૧૫ ટકા ઊંચું વ્યાજ વસુલી

સાયન્સસિટીમાં વ્યાજખોરોનો આતંક : ૧૦થી૧૫ ટકા ઊંચું વ્યાજ વસુલી

Face Of Nation : અમદાવાદ સહીત અનેક શહેરોમાં ઊંચા વ્યાજે પૈસા ધિરનારાઓનો રાફળો ફાટી નીકળ્યો છે. સોલા સાયન્સસિટી જેવા પોશ વિસ્તારમાં પણ વ્યાજખોરોએ આતંક વર્તાવ્યો હોવાની ચર્ચા ઉઠી છે. ગેરકાયદે રીતે નાણાં ધિરીને જરૂરીયાતમંદ વ્યકિતની મજબુરીનો લાભ ઉઠાવીને આવા લોકો ૧૦ થી ૧૫ ટકા જેટલું વ્યાજ વસુલી રહયા હોવાની બાબત પ્રકાશમાં આવી છે. સોલા સાયન્સસિટી રોડ ઉપર આવેલા જલારામ પરોઠાની ગલીમાં સમેત રેસીડન્સીમાં ભાડે દુકાન ધરાવતા એક વ્યકિત ધ્વારા ગેરકાયદે રીતે નાણાં ધિરવાનો વેપલો ચલાવવામાં આવી રહયો હોવાની વાત ચર્ચાઇ રહી છે. આ દુકાન ચલાવતો વ્યકિત ૧૦ થી ૧૫ ટકા જેટલું વ્યાજ વસુલે છે અને નાણાં આપનાર વ્યકિત પાસેથી મુડી કરતા બમણી રકમ વસુલી લે છે. આ આ વ્યક્તિ એવા તો રાજાપાઠમાં હોય છે કે, દુકાનમાં જ દારૂની ખુલ્લેઆમ મહેફિલ જમાવે છે.
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વ્યાજખોરોનો આતંક વર્તાઇ રહયો છે. જેને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે તેમ કહેવામાં કોઇ બે મત નથી. જો કે વ્યાજખોરોના ત્રાસમાં પોશ વિસ્તારો પણ બાકાત રહયા નથી. સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અનેક લોકો એવા છે કે જેઓ ઊંચા વ્યાજે પૈસા ધિરીને ગેરકાયદે રીતે પોતાની ધાક જમાવી રહયા છે અને જરૂરીયાતમંદ વ્યકિતઓની મજબુરીનો લાભ ઉઠાવી રહયા છે. સોલાથી માંડીને ભાડજ સુધી અનેક લોકો એવા છે કે, જેઓએ જમીનો વેચીને આવેલા પૈસા ઊંચા વ્યાજે ધિરવાનું શરૂ કર્યુ છે. સાયન્સ સિટી રોડ ઉપર આવેલા જલારામ પરોઠાની ગલીમાં સમેત રેસીડન્સીમાં દુકાન ધરાવતા એક વ્યકિત ૧૦ થી ૧૫ ટકા વ્યાજે પૈસા ધિરે છે અને પૈસા ન આપનારની ઘરવખરી કે સાધન ખેંચી જાય છે. છેલ્લા ઘણા સમયથી આ દુકાનદાર આ રીતે જરૂરીયાતમંદને પોતાના વિશ્વાસમાં લઇને પ્રથમ ઓછા ટકે નાણાં આપે છે ત્યારબાદ વ્યાજની ટકાવારીમાં વધારો કરીને ખોટી રીતે પૈસા પડાવવા ધાકધમકીઓ આપે છે. જો કે આ મામલે પોલીસ તપાસ થાય તો સચ્ચાઇ પ્રકાશમાં આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, સમેત રેસીડન્સીની નીચે આવેલી દુકાનોમાં ક્યારેક બહારથી આવનારા લોકોનો અડીંગો જામે છે અને તેથી ત્યાં રહેતા પરીવારજનોને ભારે મુસીબતોનો સામનો કરવો પડે છે. રહેણાંક વિસ્તાર હોવાથી આ મામલે અનેકવાર માથાકુટ પણ થઇ છે પરંતુ અહીં રહેતા લોકો કોઇ પણ પ્રકારની માથાકુટમાં પડવા ન માંગતા હોઇ આંખ આડા કાન કરી લે છે. જો કે પોલીસ ધ્વારા અહીં ખાનગી રીતે ચેકીંગ અને રાઉન્ડ લેવામાં આવે તેવી પણ સ્થાનીકોની માંગ ઉઠી છે કેમ કે અહીં ઘણીવાર ક્રીકેટના સટાથી માંડીને દારૂ પીનારાઓનો ત્રાસ પણ વધી ગયો છે. ક્યારેક તો કેટલાક લોકો ખુલ્લેઆમ ગાડીમાં બેસીને દારૂ પીતા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે ત્યારે સ્થાનીક સોલા પોલીસ આ બાબતને ગંભીરતાથી લે તેવી સ્થાનીકોની માંગ ઉઠી છે.