Face Of Nation:અમદાવાદ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કર્યા બાદ એરપોર્ટ સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ એલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર પણ એલર્ટ જાહેર કરાતા સુરક્ષા એજન્સીઓ સતત ખડેપગે છે. એરપોર્ટ પર ટર્મિનલની અંદર અને બહાર સીઆઈએસએફના વધુ જવાનો તહેનાત કરવાની સાથે એરપોર્ટની બહારની તરફ પણ શહેર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. બીજી તરફ 20 ઓગસ્ટ સુધી વિઝિટર પાસ બંધ કરાયા છે.સાથે સાથે શંકાસ્પદ તેમજ અન્ય લોકોના લગેજ જરૂર જણાય તો મેન્યૂઅલી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. એજરીતે એરપોર્ટ તરફ જતા તમામ વાહનોની પણ શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.તો વધુમાં પેસેન્જરોને પણ ફ્લાઇટના નિયત સમય કરતા 2.30 થી 3 કલાક વહેલા આવવા તાકીદ કરવામાં આવી છે. CISFના સૂત્રોનું કહેવું છે કે, આ તાકીદ એટલા માટે કરવામાં આવી છે કેમ કે સુરક્ષા વ્યવસ્થા વધારી હોવાને કારણે સ્કેનિંગ અને ચેકિંગમાં સમય વધારે જઈ શકે છે. જેના કારણે કોઇ મુસાફરને તકલીફ ન પડે.