Home Gujarat નારાજગી : માતા-પિતા લગ્નથી ખુશ છે તેમ કહેનાર શમા બિંદુના પિતાએ કહ્યું-‘તમારે...

નારાજગી : માતા-પિતા લગ્નથી ખુશ છે તેમ કહેનાર શમા બિંદુના પિતાએ કહ્યું-‘તમારે આ વિશે જે કંઇ વાત કરવી હોય તે તેની સાથે કરો, મારે કશું કહેવુ નથી’!

Face Of Nation 10-06-2022: વડોદરામાં આત્મવિવાહ કરનાર શમા બિંદુએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેના આ લગ્નથી તેનાં માતા-પિતા ખુશ છે. પરંતુ, અમદાવાદ રહેતા તેના પિતાનો ટેલિફોનિક સંપર્ક કર્યો તો તેના પિતાએ જણાવ્યું કે, તમારે આ વિશે જે કંઇ વાત કરવી હોય તે તેની સાથે કરો, મારે કશું કહેવુ નથી.
11મી જૂને લગ્ન કરશે તેવી જાહેરાત કરી
પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કર્યાં બાદ એક અઠવાડિયાથી દેશવ્યાપી ચર્ચાનો વિષય બનેલી વડોદરાની શમાએ આખરે બુધવારે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. શમાએ પોતાની જાત સાથે 11મી જૂને લગ્ન કરશે તેવી જાહેરાત કરી હતી. જોકે સમાજમાંથી વ્યાપક વિરોધના પગલે વધુ કશું થાય તે પહેલાં જ લગ્ન કરી લીધા હોવાનું તેણે જણાવ્યું હતું. ગોત્રી વિસ્તારમાં રહેતી શમા બિંદુએ 8મી જૂને બપોરે બ્લ્યૂ ટૂથ સ્પીકરના મંત્રોચ્ચાર સાથે પોતાની જાત સાથે મિત્રોની હાજરીમાં પોતાની જાતે જ પાંથીમાં સિંદૂર ભરીને લગ્ન કર્યાં હતા.
લગ્નમાં 10 હજારનો ખર્ચ થયો
આ અગાઉ તેની હલ્દી વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણેશ-લક્ષ્મીજીની પૂજા પણ કરી હતી. હવનકુંડના ફરતે ફેરા ફર્યા હતા અને પોતાની જાતને વરમાળા-મંગળસૂત્ર પહેરાવ્યાં હતાં. તેણે કહ્યું કે, સેંથામાં સિંદૂર પૂરતાં નાક પર પડ્યું હતું, તે લાંબી વય આપે છે અને શુકન મનાય છે. મેં પોતાનું સન્માન જાળવીશ, પોતાની જાતને અસીમ પ્રેમ કરીશ જેવાં 7 વચનો પણ આપ્યાં છે. આ લગ્નમાં 10 હજારનો ખર્ચ કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
કેટલાક લોકોએ લગ્નની ઓફર કરી
નિયત દિવસ કરતાં વહેલું લગ્ન કરવા વિશે તેણે જણાવ્યું કે, ‘મેં નક્કી કરેલા પંડિતને એડવાન્સ પેટે અડધી રકમ પણ આપી દીધી હતી. જોકે પોલિટિક્સ આવ્યા બાદ સ્થિતિ બદલાઇ ગઇ હતી. હું શાંતિપૂર્વક લગ્ન કરવા માગતી હતી. તેથી મેં લગ્ન પ્રિપોન કરી દીધું. આ દિવસો દરમિયાન લોકોનો પ્રતિભાવ દરરોજ બદલાતો હતો. પહેલા દિવસે હું પબ્લિસિટી માટે આમ કરી રહી છું, એમ કહ્યું પછી મારી જાતીય જરૂરિયાતો વિશેનો વાહિયાત મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદ મને કેટલાક લોકોની મારી સાથે લગ્ન કરશો એવી ઓફર આવી, કેટલાક સમયમાં હું હિન્દુ સંસ્કૃતિ ખરાબ કરી રહી છું એવો આરોપ મૂકાયો હતો.
પોતાની જાતને ડાઇવોર્સ નહીં આપે
કેનેડિયન વેબસિરીઝ જોયા બાદ સોલોગેમીનો પાકો નિર્ધાર કરી આત્મવિવાહ કરનાર આ યુવતીએ જણાવ્યું કે, નાનપણથી હું મારા ઘરે જ જોતી હતી કે, મહિલાઓ પૈતૃક વ્યવસ્થામાં ફસાયેલી છે. મારે એ રીતે જીવવું ન હતું. જો હું પૂર્વ આયોજન મુજબ હનિમૂન માટે ગોવા નહીં જઇ શકું તો કોઇ સંસ્થામાં જઇશ અને પોતાની જાત સાથે સમય વિતાવીશ. શમાએ કહ્યું કે, ભવિષ્યમાં જો લગ્ન કરશે તો પોતાની જાતને ડાઇવોર્સ નહીં આપે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).