Face Of Nation 29-06-2022 : ગુજરાતની મહાનગરપાલિકાઓ હસ્તકના ગાર્ડનમાં આવેલા ડેરી પાર્લરમાં ભારતની ટોચની કો-ઓપરેટિવ બ્રાન્ડ અમૂલના પાર્લર આવેલા હોય છે. છેલ્લા લાંબા સમયથી ગાર્ડન પાર્લરમાં અમૂલની મોનોપોલી રહી છે. જોકે, હવે અમૂલનો ઇજારો તૂટતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકના 50 ગાર્ડનમાં અમૂલના બદલે અમરેલીની પ્રખ્યાત આઇસક્રીમ અને ડેરી કંપની શીતલ કુલ પ્રોડક્ટ્સ લિમિટેડને ગાર્ડન ડેરી પાર્લર સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. શીતલ કૂલે ગત સપ્તાહે અમદાવાદમાં થલતેજ, નારણપુરા અને ઘોડાસર લેક ગાર્ડનમાં પાર્લર શરૂ કર્યા છે.
સુરતમાં ટૂંક સમયમાં ત્રણ પાર્લર શરૂ થશે
શીતલ કૂલના મેનેજીંગ ડિરેક્ટર ભુપતભાઇ ભુવાએ જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશન તરફથી અમને 50માંથી 10 પાર્લર સોંપવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ જગ્યાએ અમે પાર્લર શરૂ કરી દીધા છે. બાકીના ગાર્ડન પર પણ આગામી એક મહિનામાં પાર્લર શરૂ કરી દેવામાં આવશે. અન્ય શહેરોમાં અમે રાજકોટ, સુરત અને વડોદરા મહાનગર પાલિકા હસ્તકના ગાર્ડનમાં પાર્લર શરૂ કરવા અમારી વાતચીત ચાલુ છે. સુરતમાં ટૂંક સમયમાં ત્રણ પાર્લર શરૂ થઇ જશે.
કંપની પાંચ વર્ષ માટે ગાર્ડનની દેખરેખ કરશે
અમદાવાદ કોર્પોરેશન સાથે થયેલા કરાર મુજબ શીતલ કૂલ પાર્લરની સાથે સાથે ગાર્ડનની સાર સંભાળ પણ રાખશે. AMC સાથેના કોન્ટ્રાક્ટ ગાર્ડન પાર્લરમાં મુજબ શીતલ આઇસક્રીમ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ તેમજ સ્નેક્સનું વેંચાણ કરી શકશે. ગાર્ડનમાં ફરવા આવતા કે વોકિંગ માટે આવતા લોકો ડેરી પ્રોડક્ટ્સ ખરીદતા હોય છે. કંપનીને આશા છે કે આ બિઝનેસ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
લોકલ કંપની તરફથી અમૂલને મોટી ટક્કર મળશે
બ્રાન્ડિંગ-માર્કેટિંગ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ રૂ. 6000 કરોડના આઈસ્ક્રીમ બિઝનેસમાં અમૂલ માર્કેટ લીડર ગણાય છે. ગાર્ડન પાર્લરમાંથી તેમનું ડેરી પ્રોડક્ટ્સ અને આઇસક્રીમનું વેચાણ પણ સારું હોય છે. આવી સ્થિતિમાં તેમના હાથમાંથી પાર્લર બિઝનેસ ઓછો થશે. શીતલ જેવી સ્ટ્રોંગ લોકલ બ્રાન્ડને ફાયદો થશે અને અમૂલને ડેરી બિઝનેસમાં કોમ્પિટિશન પણ વધશે. જોકે આનાથી ગ્રાહકોને ફાયદો થશે.
નાની દુકાનમાં થઈ હતી શીતલ કૂલની શરૂઆત
ગુજરાતના સૌરાષ્ટ્રના નાના શહેર અમરેલીમાં આજથી 35 વર્ષ પહેલા ભૂવા પરિવારના ચાર ભાઈઓમાંથી સૌથી મોટા દીકરા જગદીશભાઈ ભૂવાએ બસ સ્ટેન્ડ સામે શીતલ પાન પાર્લર અને સોડા શોપ નામથી દુકાન શરૂ કરી અને તેમાં હાથે બનાવેલા આઇસક્રીમ અને લચ્છીનું વેંચાણ શરૂ કર્યું હતું. વર્ષ 1997માં જગદીશભાઈનું અવસાન થયું અને ત્યારબાદ તેમના નાના ભાઈ ભૂપતભાઈએ વર્ષ 2000માં કંપનીની બાગડોર સંભાળી હતી. એક નાનકડી દુકાનમાંથી શરૂ થયેલી કંપની આજે રૂ. 325 કરોડથી વધુનું ટર્નઓવર કરતી કંપની બની ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).