Home Gujarat પ્રતિબંધે ‘ધંધે લગાડ્યાં’: અમદાવાદમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મુકાશે ‘પ્રતિબંધ’,...

પ્રતિબંધે ‘ધંધે લગાડ્યાં’: અમદાવાદમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મુકાશે ‘પ્રતિબંધ’, થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ, ગ્લાસ જેવી ચીજો થશે ‘બંધ’?

Face Of Nation 30-04-2022 : શહેરમાં પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ થતો હોઈ તે પ્રી-મોન્સૂન એક્શન પ્લાનના ફિયાસ્કા માટે જવાબદાર છે તેવું પૂર્વ કમિશનર વિજય નેહરાની જાત તપાસમાં જાણવા મળ્યું હતું. તંત્રે ઓગસ્ટ-2019માં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ પણ આરંભી હતી, જોકે આ ઝુંબેશ પ્લાસ્ટિકના વેપારીઓના ઉગ્ર વિરોધના પગલે અચાનક બંધ કરી દેવાઈ હતી. હવે પહેલી જુલાઈથી ફરી મ્યુનિ. સત્તાધીશો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે.
નિયમ પહેલી જુલાઈથી અમલ મૂકાશે
સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ, સંગ્રહ કે ઉત્પાદન કરનારા સામે તંત્ર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અને મ્યુનિ. તંત્રના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના બાયલોઝ તેમજ જીપીએમસી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાનું છે, જે સંદર્ભમાં આજે સત્તાવાળાઓએ જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરી છે. કેન્દ્રના પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા ગત તા.12મી ઓગસ્ટ, 2021ના રોજ નોટિફિકેશનથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો -2016માં સુધારો કર્યો છે, જે મુજબ મ્યુનિ. કોર્પોરેશનની ગત તા.26મી નવેમ્બર, 2021માં મળેલી સામાન્ય સભાના ઠરાવ નંબર-913 અનુસાર મળેલી મંજૂરી મુજબ અમદાવાદના હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ, સંગ્રહ અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકાયો હોઈ તેને પહેલી જુલાઈથી અમલમાં મુકાશે.
થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ, ગ્લાસ જેવી ચીજો થશે બંધ
પ્લાસ્ટિક સ્ટિક સાથેના ઇયર બડ્સ, બલૂન માટેની પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિક ધ્વજ, કેન્ડી સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, ડેકોરેશન માટેના થર્મોકોલ, પ્લાસ્ટિક પ્લેટ્સ, કપ, ગ્લાસ તેમજ કટલરીની વસ્તુઓ જેવી કે ફોર્ક, સ્પૂન, નાઇફ, સ્ટ્રો, ટ્રે, મીઠાઇનાં બોક્સ સાથે વીંટળાયેલી પેકિંગ ફિલ્મ, ઇન્વિટેશન કાર્ડ, સિગારેટ પેકેટ્સ, સ્ટિરર્સ વગેરેના વેચાણ-ઉપયોગ, સંગ્રહ કે ઉત્પાદન પર પ્રતિબંધ મુકાશે. હોટલ-રેસ્ટોરન્ટ, શાળા-કોલેજ, કોમર્શિયલ એકમો, કોમ્પ્લેક્સ, મોલ, સિનેમા હોલ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ-મિલકતો, ખાનગી ઓફિસો, માર્કેટ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, જાહેર સ્થળો, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ સહિત તમામ જગ્યાઓ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પૂર્ણ પ્રતિબંધ લાગશે.
100 માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક તથા PVC બેનર્સ પર પ્રતિબંધ
સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના પૂર્ણ પ્રતિબંધ હેઠળ તંત્રે 100 માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક અથવા પીવીસીનાં બેનર્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તહેવારો-લગ્નપ્રસંગોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત તંત્ર દ્વારા પહેલી જુલાઈથી લગ્નપ્રસંગ, જાહેર મિટિંગ સહિતના તમામ કાર્યક્રમોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ, સંગ્રહ સામે પ્રતિબંધ મુકાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).