Home News ખાંભા:બે કોલર આઇડીવાળા સિંહોઍ માનવવસાહતમાં ઘુસી મચાવ્યો તરખાટ, 4 ગાય,ખૂંટ અને વાછરડા...

ખાંભા:બે કોલર આઇડીવાળા સિંહોઍ માનવવસાહતમાં ઘુસી મચાવ્યો તરખાટ, 4 ગાય,ખૂંટ અને વાછરડા બન્યા શિકાર

Face Of Nation:સિંહોની સુરક્ષા માટે હાલમાં જ GPS સિસ્ટમવાળા કોલર આઇડી પટ્ટા લગાવવામાં આવ્યા છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું પૂરવાર થયું છે. આવા જ બે કોલર આઇડીવાળા બે સિંહો ગત રાત્રે ખાંભામાં માનવ વસાહતમાં ઘૂસી આવ્યા હતા અને 4 ગાય, ખૂંટ અને વાછરડાનો શિકાર કરી મારણ કર્યું હતું. શહેરના લીમડીપરા, હડિયા, જીનવાડીપરા, જૂનાગામ વિસ્તારમાં રસ્તા પર રઝળતી ગાયો, ખૂંટ અને વાછરડાનું મારણ કર્યું હતું.

વન વિભાગના અધિકારીએ ફોન ન ઉપાડ્યો

ઘટના અંગે સ્થાનિક લોકોએ વન વિભાગના અધિકારી પરિમલ પટેલને સિંહો ગામમાં ઘૂસ્યા છે તે માટે ફોન કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. આથી ધારી ગીર પૂર્વના ડીસીએફને રાત્રે 2.10 વાગ્યે ફોન કરતા તેણે સ્થાનિક આરએફઓ પરિમલ પટેલને જાણ કરવા કહ્યું હતું. આમ વન અધિકારીઓએ એકબીજા પર ખો નાખી હતી. આખી રાત જૂનાગામ હડિયા વિસ્તારમાં સિંહોને મારણ ઉપર હાથ બતીના સહારે ટીખળખોરો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવ્યા પરંતુ વન વિભાગના એક પણ અધિકારી ડોકાયા નહીં. આથી સિંહોની સુરક્ષામાં વધારો થશે તેવા વન વિભાગના નિવેદનો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.