Home Gujarat મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ; લોધિકામાં 5, ગોંડલમાં 3, જેતપુરમાં 2 અને રાજકોટમાં દોઢ...

મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ; લોધિકામાં 5, ગોંડલમાં 3, જેતપુરમાં 2 અને રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ, રાજકોટના 10 તાલુકામાં અડધોથી 5 ઇંચ વરસાદ!

Face Of Nation 1-07-2022 : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે અષાઢીબીજના દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધી અડધા થી 5 ઇંચ સુધી વરસાદ 10 તાલુકામાં નોંધાયો છે જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં નોંધાયો છે જયારે એક માત્ર વિંછીયા તાલુકામાં વરસાદ વરસ્યો જ નથી. રાજકોટ શહેરમાં માત્ર એક ઇંચ વરસાદથી પોપટપરાનું નાળુ જળબંબાકાર થયું છે. બીજી તરફ ગોંડલમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલની નાની બજારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. આમ રાત્રીના 8 વાગ્યા સુધી ગોંડલ તાલુકામાં કુલ ધોધમાર 3 ઇંચ વરસાદ વરસી ગયો છે.
ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા
ગોંડલના ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાતા બોલેરો કાર અને પેસેન્જર રિક્ષા ફસાઈ હતી. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન-વ્યહાર ખોરવાયો છે. ગોઠણડૂબ પાણી ભરાતા પુલની બન્ને બાજુ ટ્રાફિકજામ થયો છે. ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાશબાગ અનેનાની બજાર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદથી ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા છે. અને ગોંડલના કોલીથડમાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે થઈ હતી. ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ધોધમાર વરસાદને પગલે પૂર આવ્યું છે.
વીરપુરમાં જેઠાબાપાના મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ
યાત્રાધામ વીરપુરમાં સવારથી જ અસહ્ય ગરમી બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 3 વાગ્યાની આસપાસ મેઘરાજાએ જાણે અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને લઈને વીરપુરના રોડ-રસ્તાઓ પાણી પાણી થયા હતા. જ્યાંરે ધોધમાર વરસાદને લઈને બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે વીરપુરની તેલહોકરી, મોટાપુલ સહિતના નાળાઓમાં ઘોડાપૂરની માફક પાણી વહ્યું હતું. જેઠાબાપાના મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો.
રાજકોટમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક
ચાર દિવસના વિરામ બાદ આજે રાજકોટ શહેરમાં અષાઢી બીજનું શુકન મેઘરાજાએ સાચવ્યું છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગોંડલ અને યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સવારના 6થી બપોરના 3.30 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં એક ઇંચ, ઇસ્ટ ઝોનમાં 15 મીમી અને વેસ્ટ ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પોપટપરાના નાળામાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે.
જેતપુર, ધોરાજી અને જામકંડોરણામાં 1 ઇંચ
જેતપુર, ધોરાજી અને જામકંડોરણામાં સાંજના 4 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવણી બાદ સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે. તેમજ અષાઢી બીજ હોવાથી મેઘરાજાએ મુહૂર્ત સાચવતા લોકોમાં ખુશીનો માહોલ છે.
જસદણ પંથકમાં ધોધમાર વરસાદ
જસદણના આટકોટમાં આજે પાંચ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. વાવણી લાયક વરસાદ પછી મેઘરાજાએ પધારમણી ન કરતા પાક સૂકાવા લાગ્યા હતા. પરંતુ આજે ધીમેધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને બાળકો ન્હાવાની મજા લીધી હતી.
જગન્નાથ નગરચર્યાએ નીકળતા મેઘરાજાએ વધામણા કર્યા
આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ શહેરીજનોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા છે ને બીજી તરફ મેઘરાજા પણ તેમના સાક્ષી બની આજે શહેરમાં વરસી રહ્યા છે. આજે સવારથી ધૂપછાંવ વાતાવરણ વચ્ચે બપોરના સમયે શહેરના માધાપર, મનહરપુર, ઘંટેશ્વર, જામનગર રોડ, કોટેચા ચોક, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે.
લોધિકા અને ત્રંબામાં ધોધમાર વરસાદ
રાજકોટના લોધિકા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા, સરધાર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ગોંડલ અને વીરપુરમાં ધોધમાર વરસાદ
યાત્રાધામ વીરપુરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોએ વાવેતર કરેલા પાક પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ ગોંડલ પંથકમાં પણ મેઘરાજાએ મંડાણ માડ્યા છે. ગોંડલના દેરડી અને કોલીથડ ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે.
5 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 5 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આજે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ગત રવિવારે રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પનનને કારણે શહેરમાં 42 વૃક્ષો ધરાશાયી થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).