Home News પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરાશે સ્નિફર ડોગ,ડ્રગ્સની દરિંદગી પર સ્નિફર ડોગ...

પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરાશે સ્નિફર ડોગ,ડ્રગ્સની દરિંદગી પર સ્નિફર ડોગ રાખશે બાજ નજર

ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

Face Of Nation: રાજ્યના કાંઠામાંથી અવારનવાર ઝડપાઈ રહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સથી સફાળી જાગી ઉઠેલી રાજ્ય સરકારે હવે નશાબંધીના અમલ માટે કમર કસી હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ, માદક પદાર્થોના પ્રતિબંધ અને તેનું વેચાણ કે હેરાફેરી કરતા તત્વોને ઝડપી પાડવા રાજ્ય સરકાર ટૂંક સમયમાં ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરશે. આ સાથે જ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં

ગૃહ રાજય મંત્રીએ વધુ વિગતો આપવા જણાવ્યું હતું કે, કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-2017માં કુલ-67 કેસોમાં 87 આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-2018માં કુલ-150 કેસોમાં 207 આરોપીઓ તેમજ વર્ષ-2019માં 31 મે ની સ્થિતિએ 61 કેસોમાં 91 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે. જાડેજાએ કહ્યું કે, જો આવા માદક પદાર્થો પકડવામાં નબળી કામગીરી જણાઇ આવશે તો સંબંધીત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. જેવી રીતે બહારની એજેન્સી દ્વારા કોઇ સ્થાનિક પો.સ્ટે વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઇ વિસ્તારમાંથી કોઇ બહારની એજેન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરુધ્ધ પગલા લેવામાં આવશે. તેની સામે જો કોઇ એકમ/અધિકારી દ્વારા આ દિશામાં સારી કામગીરી કરવામાં આવે તો તેની પ્રોત્સાહીત કરવા ઇનામ આપવાની પણ અપાશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સંપૂર્ણપણે નશાબંધીને વરેલું રાજય છે. રાજય સરકારે નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે કડક નિયમો અમલી બનાવ્યા છે, જેમાં દારૂના ઉત્પાદન, ખરીદ- વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો – 10 વર્ષ સુધીની કેદ અને રૂા. 5 લાખ સુધીના દંડની જોગવાઇ, દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને 10 વર્ષ સુધીને કેદ અને રૂા. 1 લાખ સુધીના દંડની જોગવાઇ : દારૂ પીને જાહેરમાં દંગલ કરનારા, મહિલાઓની છેડતી કરનાર સામે વધુ કડક કાયદો, હવે 3 વર્ષ સુધીની કેદની જોગવાઇ, ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારીને પણ 7 વર્ષ સુધીની કેદ અને રૂા. 1 લાખ સુધીનો દંડ તેમજ કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ ૫ વર્ષ સુધી કેદ અને ૫ લાખ દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આ નંબર પર જાણ કરો

આ ઉપરાંત રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નં. 14405 પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર 9978934444 પર – વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે. સ્ટેટ મોનીટરીંગ સેલનું ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ [email protected] કાર્યરત કરવામાં આવ્યું છે.

હુક્કાબાર

મંત્રી જાડેજાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરીને હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, અને જપ્તીની સત્તા પોલીસ અધિકારીઓને આપી છે. આ કાયદાના ભંગ બદલ ઓછામાં ઓછી 1 વર્ષ અને વધુમાં વધુ 3 વર્ષની સજા તેમજ રૂા. 20 હજારથી રૂા. 50 હજાર સુધીના દંડની જોગવાઇ કરી છે. વધુમાં આ ગુનો કોગ્નિઝેબલ ગણાશે તેવો સુધારો સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન ધારો – 2003માં કરવામાં આવ્યો છે, તેમ મંત્રી જણાવ્યું હતું.