Home News આરોપીને લઈ સોલા પોલીસ પંચનામું કરવા પહોંચી અને સ્થાનિકે વિડીયો ઉતારી “સરઘસ”ના...

આરોપીને લઈ સોલા પોલીસ પંચનામું કરવા પહોંચી અને સ્થાનિકે વિડીયો ઉતારી “સરઘસ”ના નામે વાયરલ કર્યો

ફેસ ઓફ નેશન, 13-09-2020 : શહેરમાં કેટલાક માથાભારે તત્વોનો આતંક આસમાને હોય છે. આવા અસામાજીક લોકોને પાઠ ભણાવવા ક્યારેક પોલીસ પ્રજાના હિતમાં કડકાઈ દાખવે ત્યારે પ્રજામાંથી જ કેટલાક લોકો વિડીયો ઉતારીને ખોટી રીતે વાયરલ કરતા હોવાના કિસ્સાઓ બને છે. પોલીસ ગુનેગારો પ્રત્યે કડકાઈ નહીં દાખવે તો નાગરિકોએ તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. ગુનાખોરી ડામવા અને ગુનેગારોના આતંકનો નાશ કરવા માટે લાઠીની ભાષા પણ ક્યારેક અત્યંત જરૂરી બની જાય છે. કેમ કે ઘણા એવા રીઢા ગુનેગારો છે કે જેઓને પોલીસનો કે કાયદાનો ડર નથી તેવામાં પોલીસ ક્યાંક કડકાઈ દાખવીને લોકોને આફતરૂપ બનતા અસામાજીક તત્વોને પાઠ ભણાવવાનું નક્કી કરે તેવામાં કોઈ સ્થાનિક ખોટી રીતે વિડીયો વાયરલ કરીને ગુનાખોરીને વેગ મળે તેવા પ્રયાસ કરે તે યોગ્ય નથી. ખેર ! આ એક સામાન્ય વાત છે.
વાત કરીએ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ઘટનાની, જેમાં પોલીસ આરોપીને લઈને પંચનામું કરવા પહોંચી અને સ્થાનિકમાંથી કોઈ વ્યક્તિએ વિડીયો ઉતારીને સરઘસના નામે વાયરલ કરી દીધો. આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ઘટનામાં પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોરોના જેવી ગંભીર બીમારી હોવા છતાં પોલીસે દારૂના કેસમાં પકડાયેલા સંજય દુબે નામના આરોપીનું સરઘસ કાઢ્યું હતું. સંજય દુબે માથાભારે હોવાથી અને પોલીસ ઉપર હુમલાનો આરોપી હોવાથી પોલીસ ઇન્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર સહીત મોટી માત્રામાં પોલીસનો કાફલો આ સમયે તૈનાત હતો. હકીકતે પોલીસ આ આરોપીને લઈને કેસનું પંચનામું કરવા અને પોલીસ ઉપર થયેલા હુમલાના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. જે વિસ્તાર માર્કેટ વિસ્તાર હોવાથી લોકોની ભીડ હોય તે સ્વાભાવિક છે. જો કે પોલીસની કામગીરી સમયે કુતુહલવશ ભીડ ભેગી થાય તેમાં કોઈ મોટી વાત નથી. સોસાયટીમાં કે મહોલ્લામાં સામાન્ય પરિવારનો ઝઘડો થયો હોય અને પોલીસ બોલાવવામાં આવે તો પણ કુતુહલવશ લોકોના ટોળા એકઠા થઇ જાય છે. જેથી આ ઘટનામાં પણ પોલીસ આરોપીને લઈને પહોંચી ત્યારે લોકો સ્વાભાવિક રીતે જોવા એકઠા થયા તો કેટલાક ત્યાંથી પસાર થતા લોકો ઉભા રહીને પોલીસની કામગીરી નિહાળવા લાગ્યા, જેને કોઈ સ્થાનિકે મોબાઈલના કેમેરામાં કેદ કરીને “આરોપીના સરઘસ”ના નામે વાયરલ કરી સાથે કોરોના દરમ્યાન પોલીસ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહી હોવાનો પણ મેસેજ વાયલર કર્યો. આરોપી તરફથી પણ પોલીસ વિરુદ્ધ આ સમગ્ર મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને દાદ માંગવામાં આવી કે પોલીસ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે. હવે જો તે સમયે પોલીસે લોકોના ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હોત તો પણ આંગળી ચીંધાઇ હોત અને આક્ષેપ થયા હોત તે વાતમાં પણ કોઈ શંકા નથી.
સોલા પોલીસ સ્ટેશન સહીત નારણપુરા અને ઘાટલોડિયામાં સંજય દુબે નામના વ્યક્તિ ઉપર 6 જેટલા કેસો નોંધાયા છે સાથે જ તેની ઉપર બે વાર પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે. પોલીસ આવા રીઢા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવી લોકોને આવા અસામાજીક તત્વોથી ડરવાનું નહીં તેવો મેસેજ આપવા માંગે છે અને તેથી જ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે. તેવામાં પોલીસની કામગીરી વિરુદ્ધ સવાલ ઉઠાવી પોલીસનું મનોબળ તોડવાના પ્રયાસ કરવામાં આવે તે નિંદનીય હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)