Face Of Nation (Rakesh Sharma, Ambaji) : કોરોના વાયરસની મહામારી સામે લડવા ગુજરાતના દેવસ્થાન ટ્રસ્ટો રાજ્યની પ્રજાના વ્હારે આવીને પોતાની નૈતિક જવાબદારી અદા કરી રહ્યા છે. રાજ્યના મોટા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટે રૂ.1 કરોડનું દાન કર્યું છે સાથે જ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ 1 કરોડનું દાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે. રાજ્યના માહિતી અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યની જાણીતી સંસ્થાઓ તરફથી દાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ, બિલ્ડરો અને સામાજિક મોભીઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂ.25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી છે.