Home Politics જમ્મુ કાશ્મીર પર શાહની અધ્યક્ષતામાં ખાસ બેઠક:અજીત ડોભાલ અને ગૃહ સચિવ હાજર

જમ્મુ કાશ્મીર પર શાહની અધ્યક્ષતામાં ખાસ બેઠક:અજીત ડોભાલ અને ગૃહ સચિવ હાજર

Face Of Nation:જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે સંસદ ભવન ઓફિસમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થઇ રહેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા પણ હાજર રહ્યા હતા. દિલ્હીમાં વડાપ્રધાન ઓફિસ પર આવતીકાલે એટલે કે સોમવારે સવારે સાડા નવ વાગ્યે કેબિનેટ બેઠક થશે. સૂત્રોના મતે કેન્દ્ર સરકાર કેબિનેટની આ બેઠકમાં મોટો નિર્ણય લઇ શકે છે. મોદી સરકારની કેબિનેટ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં એલર્ટને લઇને દેશભરમાં ચર્ચા છે.

કાશ્મીરમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે. સુરક્ષાદળોને અમરનાથ યાત્રા રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઇપર રાઇફલ મળી, ત્યારબાદ પ્રવાસ રોકવાનો નિર્ણય લીધો હતો. આતંકી ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે એડવાઇઝરી જાહેર કરી હતી કે અમરનાથ યાત્રીઓને પોતપોતાના ઘરો તરફ પાછા ફરવાની સલાહ આપી હતી કારણ કે તેમના પર મોટા હુમલાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે.બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સૈન્યએ પાકિસ્તાની બેટની કેરન સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી. ભારતીય સૈન્યએ કહ્યું કે, પાંચથી સાત પાકિસ્તાની સૈન્યના બેટ કમાન્ડો અને આતંકીઓને ઠાર માર્યા હતા. ભારતીય સૈન્યએ એલઓસી પર માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો લઇ જવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે, પાકિસ્તાને કોઇ જવાબ આપ્યો નથી