Face Of Nation Special Report : કોરોનાના કારણે આજે આખા વિશ્વના લોકોને ઘરમાં કેદ થવાનો વારો આવ્યો છે. દિવસે દિવસે આ રોગના કેસો ભારતમાં વધી રહ્યા છે સાથે જ મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ત્યારે આ રોગને નજરઅંદાજ કરવો કે તેને સરળતાથી લેવો તે ભારતવાસીઓ માટે આવનારી કાલે એક મોટી ભૂલ ગણાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોરોના પોતાનો કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે લોકોએ આ રોગની ગંભીરતા સમજીને તેના માટે સરકાર કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા સુચનોનું અવશ્ય પાલન કરવું હિતાવહ છે નહિ તો આવતી કાલે આ રોગ ચિંતાજનક રીતે વધી જશે અને ત્યારબાદ સરકાર કે તંત્રના માથે દોષનો ટોપલો ઢાળી દેવો કોઈપણ પ્રકારે વ્યાજબી ગણાશે નહીં. લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ તથા સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતોનું પાલન કરવું જોઈએ. એક દિવસના જનતા કર્ફ્યુની સાંજ ઢળતાની સાથે જ લોકો જાણે કે એ રીતે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા કે, કોરોના સામેનો જંગ ભારત દેશ જીતી ગયું અને સમગ્ર ભારતમાંથી કોરોના વાઇરસનો ખાત્મો બોલી ગયો. આ એક અતિરેક અને ઉન્માદ કહી શકાય પરંતુ પ્રજાને આ એક ગંભીર બેદરકારી પણ કહેવામાં કોઈ બે મત નથી. પ્રજા જેટલી સાવચેતી રાખશે તેટલી તેમના હિતમાં જ છે. આખું વિશ્વ જયારે આ રોગને ગંભીરતાથી લઈને કડકાઈ દાખવી રહ્યું હોય ત્યારે આપણે પણ તેમાં સહકાર આપવો જરૂરી બને છે કારણ કે આ રોગ અટકાવવાની જવાબદારી માત્રને માત્ર સરકાર, તંત્ર કે ડોકટરોની નથી. પ્રજાની જાગૃતતા પણ જરૂરી છે.