Home News મને શરમ આવે છે કે, નાગરિકો મૃત્યુ પામ્યા અને PMની મુલાકાત પાછળ...

મને શરમ આવે છે કે, નાગરિકો મૃત્યુ પામ્યા અને PMની મુલાકાત પાછળ કરોડોનો ખર્ચ થયો છતાં લોકોમાં સહાનુભૂતિ નથી

Face Of Nation 01-12-2022 (Special Report, Dhaval Patel ) : હું એક પત્રકાર છું. સત્તાને અને સત્તામાં રહેલા લોકોની કામગીરી ખુબ નજીકથી જોઈ છે. સત્તાને અને સત્તાના ટેકેદાર બનીને બેઠેલા લોકોને સવાલ કરવા અને તેમના દ્વારા થયેલા પ્રજા હિત વિરુદ્ધના કામો લોકો સુધી પહોંચાડવા એ મારી ફરજ છે પછી ભલે ચાહે લોકો મને સત્તા વિરોધી કહે કે વિરોધ પક્ષનો વ્યક્તિ કહે. મેં કોર્ટ કચેરીના ધક્કાઓ પણ ખાધા છે અને જાણ્યું છે કે, મારા દેશની સ્થિતિ શું છે ? આજે પ્રજાને ઉશ્કેરવા કે કોઈના માટે નારાજગીથી લખી નથી રહ્યો પણ એક સચ્ચાઈ લખી રહ્યો છું. હું એટલો સ્વાર્થી કેવી રીતે બની શકું કે મારા દેશમાં, મારા રાજ્યમાં બનેલી ઘટનાને કારણે અનેક નાગરિકોના મૃત્યુ થયા હોય અને વડાપ્રધાનની મુલાકાત પાછળ કરોડોનો ધૂમાળો થયો હોય અને હું નિઃસંકોચ તે સત્તાની વાહવાહી કરું. જો એ ઘટનામાં મારા જ ઘરનો કે મારા જ કોઈ નિકટનો સ્વજન મૃત્યુ પામ્યો હોત અને લોકો સત્તાની વાહવાહી કરતા હોત અને વડાપ્રધાનની મુલાકાત માટે થઈને કરોડો રૂપિયાનો ધુમાડો થઇ જતો હોત તો તે સમયે મારી મનસ્થિતિ શું હોય ? તેનો જવાબ તમે ખુદ પણ તમારી જાતને સવાલ કરીને મેળવી શકો છો. ગુજરાતના મોરબીમાં બનેલી ઘટનાએ અનેક લોકોના ઘરના મોભીઓનો તો અનેકના વ્હાલસોયાનો જીવ લઇ લીધો. આ માત્ર ત્યાં જોવા જનારાઓની બેદરકારી નહોતી. જોવા જવામાં તો હું અને તમે પણ ત્યારે જ સરકારી કે ખાનગી સંપતિમાં દાખલ થઇ શકીએ કે જયારે ત્યાં હાજર જવાબદારોની પરમિશન હોય. જેથી જવાબદારો પહેલા જવાબદાર બને છે તે બાદ સભામાં પોતાના માટે સંવેદના મેળવવા જાતભાતના ભાષણો કરતા અને પ્રજાના બેલી હોવાનો દેખાવડો કરનારા વડાપ્રધાન જયારે અસરગ્રસ્તોની ખબરઅંતર પૂછવા આવે અને કરોડોનો ખર્ચ થાય તે અત્યંત દુઃખદ બાબત બની જાય છે.
મારી કમનસીબી એ છે કે, હું કોઈ બાબતે સવાલ ઉઠાવીશ તો સત્તાથી અંજાયેલા લોકો મારો પણ વિરોધ કરવા લાગશે અથવા તો મને પણ વિપક્ષીનો હાથો બતાવીને ચીતરવામાં આવશે. ભારત દેશની આ સૌથી મોટી કમજોરી છે કે જો કોઈ સત્તાના ખોટા કર્યો સામે પણ સવાલ ઉઠાવે તો તેનો વિરોધ કરવામાં આવે છે. આવા લોકો એ નથી જાણતા કે તેઓ તેમની આવનારી પેઢી માટે ખુબ મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. લોકશાહીમાં માનવજીવનું મૂલ્ય છે. આજે ત્યાં છે કાલે અહીં હશે કે મારા કે તમારા ઘરમાં જ હશે અને તે સમયે લોકો સત્તાને સહયોગે ઉભા હશે ત્યારે ખુબ દુઃખ થશે. સમય ક્યારેય સ્થિર રહ્યો નથી કે રહેવાનો પણ નથી.
મોરબીમાં ખુબ જ દુઃખદ દુર્ઘટના ઘટી. પુલ તૂટવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોને શ્રદ્ધાંજલિ અને પરિવારોને સંવેદના આપવા માટે પણ કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવે તે નેતા ક્યારેય પ્રજા હિત માટેના ન કહેવાય. નેતા એ કહેવાય કે જે પ્રજાના આંસુએ આંસુ પાડે અને પ્રજાના દુઃખે દુઃખી હોય. ભારત દેશના વડાપ્રધાન ચૂંટણી સમયે ગુજરાતની મુલાકાતે હતા અને મોરબીમાં બનેલી ઘટનાને લઈને અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમની આ મુલાકાતે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જો વડાપ્રધાને મુલાકાત ન લીધી હોત અને અસરગ્રસ્તોને કરોડોની રકમ વહેંચવામાં આવી હોત તો પણ ટેકો થઇ જતો પરંતુ તેમ કરવાને બદલે નેતાઓ જયારે પોતાની વાહવાહી માટે પ્રજાના જ કરોડો ખર્ચી નાખે અને એ જ પ્રજા વાહવાહી ઉપર ઉતરી આવે ત્યારે નેતાઓને એવો અહમ ચઢી જતો હોય છે કે, આ મૂર્ખ પ્રજા આપણું શું ઉખાડી લેવાની છે ? જ્યાં સુધી તેમની મૂર્ખતા છે ત્યાં સુધી આપણી સત્તા છે.
ચૂંટણી એ એક એવો અવસર છે કે, પ્રજા સાથે પાંચ વર્ષમાં કરવામાં આવેલા અન્યાયનું પરિણામ આપવામાં આવે પરંતુ આજે લોકો ચૂંટણીમાં માત્ર હિન્દૂ મુસ્લિમનું રાજકારણ લઈને કોઈ એક રાજકીય પક્ષની વાહવાહી કરે તે તેમની મુર્ખામીનું પ્રદર્શન કર્યા બરાબર છે. નેતા પ્રત્યેનો પ્રેમ અતિશ્યોક્તિ ભર્યો ક્યારેય ન બનવો જોઈએ કે જેનાથી એ નેતાનું અભિમાન અને રહેણીકરણીથી પ્રજાને જ નુકસાન થવા લાગે. હું ભારતદેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપનો વિરોધી નથી પરંતુ સત્ય લખવું તે મારી ફરજ છે. વડાપ્રધાન ક્યારેય પ્રજાના હિતથી વધીને ન હોવા જોઈએ. એવા નેતા જ શું કામના કે જેમની મુલાકાત કે તેમની સભાઓ પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચો થઇ જાય ? ખેર ! પ્રજાએ ઘણા વિચારો કરવાના છે લોકશાહીને જીવંત રાખવા માટે જેની જરૂર ન હોય તેવાને પણ ટેકો આપીને અભિમાની અને અહંકારી થયેલી પસંદગીની સત્તાને કાબુમાં લેવી વધુ હિતાવહ હોય છે. નહીં તો પરિણામ ગંભીર સાબિત થનારું હોય છે.
પત્રકારત્વ આજે સત્તાને તાબે થઇ ગયું છે અને તેથી જ વડાપ્રધાનની મુલાકાતો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થાય તેમ છતાં પ્રજાહિતમાં કોઈ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો નથી. પ્રજાનો પણ વાંક છે કેમ કે આજે મીડિયા પણ એ જ બતાવે છે કે જે પ્રજાને ગમે છે. લોકો સત્તાની વાહવાહી પાછળ એટલા બધા આંધળા થઇ ગયા છે કે, સત્તામાં રહેલા નેતાઓ દ્વારા લેવામાં આવતા નિર્ણયો કે કામગીરી તેમને મન માત્ર વિકાસશીલ છે. માનવજીવનું મૂલ્ય હવે રહ્યું નથી તેવામાં લોકશાહીનું અસ્તિત્વ ટકાવી રાખવાની જવાબદારી ફક્ત ને ફક્ત પ્રજાને શિરે છે અને પ્રજાએ નક્કી કરવાનું છે કે તેમનું ભવિષ્ય કેવું બનાવવું છે. માતાપિતાને સંતાન ખુબ જ વ્હાલા હોય છે પણ ક્યારેય તેઓ તે વ્હાલની પાછળ સંતાનોને અહંકારી કે અભિમાની બનાવી દેતા નથી. જો તમે તમારા પોતાના સંતાન ઉપર બીક કે પકડ રાખવાનું હિતાવહ માનો છો તો દેશ જેના હાથમાં સોંપો તેની ઉપર પક્કડ રાખવી કેમ હિતાવહ માનતા નથી ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.  ફેસબુક (Facebook)માં  faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

વાંચો : અમેરિકન ગુજરાતી મીડિયા હાઉસના માલિકે અખબારમાં કરેલી વિનંતી, સત્તાના મોહમાં નીચલા સ્તરનું પત્રકારત્વ !

વાંચો : અમેરિકન ગુજરાતી મીડિયા હાઉસના માલિકે અખબારમાં કરેલી વિનંતી, સત્તાના મોહમાં નીચલા સ્તરનું પત્રકારત્વ !