Special Report ફેસ ઓફ નેશન, 09-04-2020 : ગુજરાત સરકારના અધિકારીઓ કોરોનાને લઈને સર્વે કરવામાં આવ્યો હોવાના આંકડાઓ અને ટેસ્ટીંગની વાતો રજૂ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ કોરોના તેનો આતંક ફેલાવી રહ્યો હતો. કોરોનાના કેસોમાં વધારો થતા સફાળી જાગેલી સરકારે હાલ ઠેર ઠેર તંબુ તાણીને ટેસ્ટિંગ કરવાની અને ઘરે ઘરે જઈને સર્વે કરવાની શરૂઆત કરી દીધી છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિ હાલ તંત્ર માટે સર્જાઈ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. સરકારે પહેલેથી જ સાવધાની અને સર્વેની કામગીરી કરી હોત તો આજે કદાચ પરિણામ જુદુ હોત પરંતુ નક્કર કામગીરી કરવાને બદલે આંકડાકીય માહિતીઓ આપવામાં વ્યસ્ત રહેલી સરકારને ખબર ન રહી અને કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ ગયો. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં ઘણા ઓછા ટેસ્ટ થયા છે. તબ્લીગી જમાતના પણ કેસો વધ્યા છે ત્યારે આ લોકો પ્રવેશ્યા કેવી રીતે તે પણ એક સવાલ ઉભો થાય છે. જો કે હાલની પરિસ્થિતિએ જોતા હવે સરકાર કોરોનાના ફેલાવાને અટકાવવા ચિત્તાની ગતિએ દોડવાના પ્રયાસમાં લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ રાજ્યની સરકાર માટે આવી મહામારી સમયે નક્કર કાર્યવાહી અતિ મહત્વની હોય છે તેમ છતાં ગુજરાત સરકાર આવી નક્કર કાર્યવાહી બાબતે થાપ ખાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સરકારે આજે ઘરે ઘરે જઈને સર્વે ચાલુ કરી દીધો છે સાથે જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ રોગના કેસો દેખાતા કોર્પોરેશન તંત્રએ સીટી વિસ્તારને કોર્ડન કરીને ચેક પોસ્ટો ઉભી કરી દીધી છે, અહીંથી પસાર થનારા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આજે કોરોનાના કેસો અમદાવાદમાં સતત વધી રહ્યા છે જેનો આંકડો આજે એક જ રાતમાં 50 જેટલો નોંધાયો છે. આ બધું આમ તો વહેલા કરવાની જરૂર હતી તો તેનું પરિણામ આજે દેખાતું હોત પરંતુ કેસો વધતા શરૂ થયેલી કાર્યવાહી કેટલા અંશે સાર્થક સાબિત થશે તે જોવું રહ્યું.
ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !
એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !