Face Of Nation 9-12-2022 : ગુજરાતની ચૂંટણીના પરિણામોએ એ વાત સાબિત કરી અને સ્વીકાર કર્યો કે, જે છે તે યોગ્ય છે અને જે થઇ રહ્યું છે તે પણ યોગ્ય થઇ રહ્યું છે. પ્રજાએ ચૂંટણી પરિણામો થકી એવો સંદેશ આપી દીધો કે હવે, ભાજપ જ સર્વસ્વ છે. લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષ હોવો ખુબ જ જરૂરી છે પરંતુ પ્રજાએ વિરોધ પક્ષને હાંસિયામાં ધકેલી દીધો અને કોઈ એક રાજકીય પક્ષને જંગી બહુમતી આપી દઈને જેમ કરવું હોય તેમ કરવા છુટ્ટો દોર આપી દીધો. કોઈ એક રાજકીય પક્ષને અપાતું આ મહત્વ કે અતિશક્યોક્તિથી લોકશાહી પતન તરફ ધકેલાઈ રહી હોવાની એક નિશાની દેખાઈ રહી છે.
પોતાને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાવતા દેશ માટે આ ચિંતાજનક સમાચાર છે. મોદીના ભારત ઉપર શાસન બાદ અમેરિકા સ્થિત બિન-સરકારી સંગઠન ‘ફ્રીડમ હાઉસે’ વૈશ્વિક રાજકીય અધિકારો અને સ્વતંત્રતા અંગે એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો. તેમાં તેણે ભારતને ‘મુક્ત લોકશાહી’થી ડાઉનગ્રેડ કરીને ‘આંશિક મુક્ત લોકશાહી’નો દરજ્જો આપ્યો હતો. આ અહેવાલ ભારતવાસીઓ માટે ખુબ જ રેડ એલર્ટ સમાન હતો. લોકશાહીમાં ચતુર પ્રજા એને કહેવામાં આવે છે કે જે, દર પાંચ કે દસ વર્ષે કોઈ એક રાજકીય પક્ષ કે નેતા સત્તાના ઘમંડમાં ન આવે તે માટે અને તમામ રાજકીય પક્ષો પ્રજા હિતમાં કાર્યરત રહે તે માટે સરકાર બદલી નાખવાનું વધુ પસંદ કરે છે.
લોકશાહીમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ તેમજ સંગઠનનું સ્વાતંત્ર્ય હોય છે. મોટા ભાગે વ્યક્તિઓ કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જાણે અજાણે વૈચારિક સબંધ ધરાવે છે. 2014માં મોદી સત્તા પર આવ્યા ત્યારથી ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી રહી છે. “મુક્ત રાષ્ટ્રોમાં ભારતનું ઉપલા સ્થાનેથી પતન થાય” તેનાથી વિશ્વના લોકશાહી ધોરણો પર વધારે માઠી અસર પડશે. મોદીના શાસન દરમિયાન “વાણી સ્વાતંત્ર્ય, મીડિયા અને સિવિલ સોસાયટીનું ગળું રુંધવાનું કામ બહુ આગળ વધ્યું છે”. સેન્સરશિપની વાત આવે ત્યારે ભારતની હાલત “પાકિસ્તાન જેટલી જ ખરાબ છે. ભારતની તુલનામાં બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ પણ સારી છે.” આ વાત લોકોને ચોક્કસ ખટકશે પરંતુ સત્ય છે જે લોકશાહી અને પ્રજાની આવતીકાલ માટે ખુબ જ ખતરનાક સાબિત થવાની છે. પત્રકાર કે સરકારી તંત્ર પ્રજાનું વિરોધી નથી કે કોઈ રાજકિય પક્ષોની તરફદારીમાં નથી પરંતુ જયારે પ્રજા જ કોઈ એક રાજકીય પક્ષને તાબે થઇ જાય ત્યારે સરકારથી માંડીને સમાચારો જે તે રાજકીય પક્ષને તાબે થવાનું વધુ પસંદ કરે છે કેમ કે પ્રજાને જે પસંદ પડે છે તે જ પીરસવાનું મુનાસીબ માનવામાં આવે છે. જે લોકશાહીને પતનની તરફ ધકેલવામાં મહત્વનો ભાગ ભજવી જાય છે.
પ્રજાનો ડર રાજકીય પક્ષોને હોવો ખુબ જ જરૂરી છે. જયારે કોઈ પણ રાજકીય પક્ષ પ્રજાથી નિશ્ચિત થઇ જાય છે અથવા તો એમ વિચારવા લાગે છે કે, “પ્રજા શું તોડી લેવાની ? પ્રજાનો મત આપણને જ હશે, પ્રજાને ડરાવીને મત મેળવી લેવાશે” અને પ્રજા એ કોઈ એક પક્ષને જ સતત બહુમત આપીને સરકાર રચવા માટે આગળ કરે ત્યારે લોકશાહી પતન તરફ ધકેલાય છે. પ્રજાને રાજકીય પ્રેમ હોવો એ ખોટું નથી પરંતુ સાથે સાથે પ્રજાએ બીજી આંખ એવી પણ રાખવી જોઈએ કે જેનાથી રાજકીય પક્ષને ડરનો અનુભવ થાય. શાસન અને નેતા આ બંનેને સમયાંતરે બદલી નાંખવામાં આવે તે લોકશાહીની સુરક્ષા માટે એક મોટો ભાગ ભજવે છે. ભારત સહીત અનેક દેશોમાં એવા ઘણા શાસકો અને રાજકીય પક્ષો થઇ ગયા કે જેઓને પ્રજા અપાર ચાહતી હતી, તે સમયે એવું મનાતું હતું કે હવે રાજકીયક્ષેત્રે એક જ યુગ ચાલશે પરંતુ સમય બદલાયો અને તેવા શાસકોને પણ પ્રજાએ હાંકી કાઢવા પડ્યા. જો કે પ્રજા જાગૃત થઇ ત્યારે ઘણું ગુમાવી ચુકી હતી. આજે જે પ્રજા ભાજપ ભાજપ અને મોદી મોદી કરે છે તે જ પ્રજા એક સમયે લમણે હાથ દઈને પસ્તાશે પરંતુ ત્યારે મોડું થઇ ગયું હશે. ભાજપ કે મોદી ખરાબ છે એવું નથી પરંતુ ક્યારેય કોઈ સત્તાને જરૂર કરતા વધારે મહત્વ ન આપવું જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).