Face Of Nation 16-06-2022 : 5G ઇન્ટરનેટ સેવાની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આગામી 20 વર્ષ માટે 5G સ્પેક્ટ્રમની હરાજી માટે મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ મંત્રાલયે કહ્યું છે કે સ્પેક્ટ્રમની હરાજી પછી 1 વર્ષની અંદર 5G સેવા શરૂ થશે. આવી સ્થિતિમાં આપણે આજના ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ કે જો 5G સેવા લાગુ કરવામાં આવે છે, તો એની કિંમત કેટલી હશે? લોકોએ 4G કરતાં 5G માટે કેટલા વધુ પૈસા ચૂકવવા પડશે?
દેશનાં 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરાશે
5G શરૂ કરનાર 3 ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઇડિયા છે. આ કંપનીઓએ ટેસ્ટ અને ટ્રાયલ કર્યાં છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI એ અંતિમ નિર્ણય લેવાનો છે કે કઈ તારીખથી 5G ઈન્ટરનેટ શરૂ થશે. તો બીજીતરફ સ્પેક્ટ્રમની હરાજી ન થવાને કારણે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો, પરંતુ હવે હરાજીની મંજૂરી મળ્યા બાદ 5જી ઇન્ટરનેટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં દેશનાં 13 શહેરમાં, જેમ કે ચંદીગઢ, દિલ્હી, લખનઉ, ગુરુગ્રામ, અમદાવાદ, જામનગર, કોલકાતા, હૈદરાબાદ, ગાંધીનગર, મુંબઈ, પુણે, બેંગ્લોર, ચેન્નઈમાં 5G ઈન્ટરનેટ શરૂ થશે.
61 દેશનો ટ્રેન્ડ સમજો, ભારતમાં 5G ડેટા પેકની કિંમત
ત્રણ ટેલિકોમ કંપનીઓ ભારતમાં 5G લાવી રહી છે – Jio, Airtel અને VI. આમાં કોઈપણ કંપનીએ અત્યારસુધી એના 5G ડેટા પ્લાનની કિંમતો વિશે કોઈ ખુલાસો કર્યો નથી, તેથી 5G ટેરિફ કેટલી હશે એ કહેવું મુશ્કેલ છે. વિશ્વના જે દેશોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે ત્યાંથી એક ટ્રેન્ડ ચોક્કસપણે સમજી શકાય છે.
2018માં 5G સેવા શરૂ કરનાર દ.કોરિયા વિશ્વમાં પ્રથમ
ડિસેમ્બર 2018માં 5G સેવા શરૂ કરનાર દક્ષિણ કોરિયા વિશ્વમાં પ્રથમ હતું. આ પછી સ્વિટ્ઝર્લેન્ડ, યુકે અને યુએસએ પણ મે 2019માં 5G લોન્ચ કર્યું. અત્યારસુધીમાં 5G 61થી વધુ દેશોમાં શરૂ થઈ ચૂક્યું છે. અહીં અમે વિશ્વની પસંદગીની ટેલિકોમ કંપનીઓના 4G અને 5G ટેરિફ પ્લાનની સરખામણી કરી રહ્યા છીએ. આ આંકડા 1 મહિનાના અમર્યાદિત પ્લાન માટે છે.
5G પ્લાન 4G કરતાં 10-40% મોંઘા હશે
એ સ્પષ્ટ છે કે વિશ્વની મોટી ટેલિકોમ કંપનીઓના અમર્યાદિત 5G પ્લાન 4G કરતાં મોંઘા છે. કંપનીઓએ પોતાના દમ પર 10%થી 40%નો વધારો કર્યો છે. આ ટ્રેન્ડ ભારતમાં 5G સેવા ક્યારે શરૂ થશે એ જોઈ શકાય છે, એટલે કે ભારતમાં પણ 5G પ્લાન 4G કરતાં 10-40% વધુ મોંઘા હોઈ શકે છે.
4G કરતાં 5Gમાં 1 GB ડેટાની કિંમત સસ્તી થશે
2Gના યુગને યાદ કરો, જ્યારે આખો મહિનો 1 GB ડેટામાં પસાર થતો હતો. 3G આવ્યા પછી ડેટાનો વપરાશ વધ્યો અને 4G આવ્યા પછી દરરોજ 1થી 2 GB ડેટાનો ખર્ચ થવા લાગ્યો. સ્વાભાવિક છે કે 5G આવ્યા બાદ ડેટાનો વપરાશ અનેક ગણો વધી જશે. ઈન્ડિયા મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સ 2021 અનુસાર, 2020માં ભારતમાં ડેટા વપરાશમાં 36%નો વધારો થયો છે, ચાલુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે, 5Gનો અમર્યાદિત પ્લાન મોંઘો હોઈ શકે છે, પરંતુ 1GB 5G ડેટાની સરેરાશ કિંમત 4G કરતાં ઓછી હોઈ શકે છે.
4G પ્લાન મોંઘા કરીને 5G સ્પેક્ટ્રમ રિકવર થશે
ભારતની ટેલિકોમ કંપનીઓએ તાજેતરમાં તેમના ટેરિફ દરોમાં 20-25%નો વધારો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ટૂંક સમયમાં એમાં વધુ વધારો કરવામાં આવી શકે છે. એનું કારણ 5Gના મોંઘા સ્પેક્ટ્રમની ખરીદી માટે નાણાંની જરૂરિયાત અને કંપનીઓનું વધેલું દેવું છે. તો બીજીતરફ CRISIL રિસર્ચના ડિરેક્ટર ઈશા ચૌધરીના જણાવ્યા અનુસાર, અમેરિકા, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં 1 GB ડેટાની કિંમત $8-10ની વચ્ચે છે, જ્યારે ભારતમાં એ $1 કરતાં ઓછી છે. આવી સ્થિતિમાં કંપનીઓ પાસે ટેરિફ મોંઘા કરવાનો અવકાશ છે. જોકે આ વર્ષના અંત સુધીમાં આવું થઈ શકે છે. તમામ કંપનીઓ તેમની ARPU વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).